Western Times News

Gujarati News

હાઈ પ્રોફાઈલ જુગારધામઃ ટોપ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કેમ નહીં ?

ગરીબોની સેવા કરીને ગોવિંદ પટેલ લોકોનો મસીહા બની ગયોઃ પોલીસ પણ તેની મદદ લેવા આવતી

(પ્રતિનિધિ) અમદાવાદ, જયારે કોઈ પણ મોટા જુગાર કે દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરીંગ સેલ કે પીસીબી પકડી પાડે છે ત્યારે જે તે વિસ્તારના પીઆઈ, પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે, પરંતુ કોઈ દિવસ એસીપી અને ડીસીપીની ટ્રાન્સફર કે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા નથી. દરિયાપુરમાં મનપસંદ કલબ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડતાં દરિયાપુર પોલીસનો ભોગ લેવાશે, પરંતુ એસીપી અને ડીસીપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

બુટલેગરોને દારૂ અને જુગારનો અડ્ડો ચલાવવા માટે પોલીસ મૌખિક પરમિશન આપતી હોય છે. પરમિશન પછી બુટલેગર કોન્સટેબલથી લઈને આઈપીએસ સુધીના લોકોનું ભરણ બાંધવામાં આવતું હોય છે. આ સિવાય ક્રાઈમબ્રાંચ, એસઓજી, પીસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કર્મચારીઓનું પણ ભરણ બાંધવામાં આવતું હોય છે.

પોલીસ અધિકારીઓનું ભરણ બંધાતાં બેરોકટોક દારૂ અને જુગારના અડ્ડા ચાલુ થઈ જાય છે જે પોલીસ અધિકારી ભરણ લેતા ના હોય તે રેડ કરીને કેસ કરી દેતા હોય છે. બુટલેગરો ભરણ બાંધે એટલે તેનો અર્થ એ થાય છે કે જે તે પોલીસ અધિકારીઓ, જેમ કે એસીપી, ડીસીપી, જેસીપી, પોલીસ કમિશનર સહિતના લોકોને અડ્ડાની જાણકારી છે અને તેમની રહેમ નજર હેઠળ તે ચાલી રહ્યો છે.

દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જિમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં આઈપીએસ અધિકારીઓની રહેમ નજરનો પર્દાફાશ થયો છે. તંબુ ચોકીથી ૧૦૦ મીટરના અંતરે આવેલ મનપસંદ કલબના જુગારધામમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડીને ૧૮૦ આરોપીઓને ૧૦.૯૯ લાખ રોકડા તેમજ કાર અને ટુ વ્હિલર સાથે ડપી પાડયા છે.

ગોવાના કસિનોની જેમ મનપસંદ કલબનું જુગારધામ ચાલતું હતું, જેમાં કેટલાંક મોટા માથાંની સંડોવણી પણ આવનારા દિવસોમાં સામે આવે તેવી શક્યતા છે. ગોવિંદ ઉર્ફે ગામા પટેલે જુગારધામ ચલાવવા માટે આઈપીએસ અધિકારીઓની પણ મંજુરી લીધી હતી.

પોલીસ વિભાગમાં ગોવિંદ પટેલ કરોડો રૂપિયાનું ભરણ આપતો હતો અને બેરોકટોક ધંધા ચલાવતો હતો. રેડ દરમિયાન પોલીસની નજર દીવાલ પર ટીંગાડવામાં આવેલી તસવીરો પર જતાં તે ચોંકી ગઈ હતી. દીવાલ પર આઈપીએસ અધિકારીઓની તસવીરો તેમજ જસ્ટિસની પણ તસવીર હતી. પોલીસ ડઝનથી વધારે આઈપીએસ અધિકારીઓની તસવીર કેમ રાખી તેને લઈને વિચારમાં પડી ગઈ હતી.

કલબના ચોથા માળે ટોચના આઈપીએસ અધિકારીઓના ફોટો ફ્રેમ લગાવી રખાયા હતા. ગુનેગાર પોતાને મોટો દેખાડવા માટે પોતાની સાથે વગ ધરાવતા લોકોનો રોફ મારતા હોય છે પણ ખરેખર તે બીજા પર પોતાનો રૂઆબ બતાવવા માટે આ પ્રકારે કરતા હોય છે.

મનપસંદ કલબમાં રીતસર મિની કસિનો જેવી સ્થિતિ હતી. અહીંથી જુગાર રમવા આવતા લોકો માટે મિનરલ વોટરથી લઈ જમવાની, ચા-નાસ્તા અને બીડી-સિગારેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જિમખાનામાં જુગાર રમવા માટે તમામ વ્યવસ્થા હતી. રાઉન્ડ ટેબલ, ટોકન અને જરૂર પડે તે દરેક વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. સાત મકાનમાં ચાલતા જુગારમાં સીસીટીવી મોનિટરીંગ અને કોઈ જુગારી હારી જાય તો ઘર સુધી જવાનો ખર્ચ પણ ચૂકવવામાં આવતો હતો.

બીજી તરફ જિમખાનાની સાથે ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચાલતું હતું, જેમાં કોરોનાના સમયમાં લોકોને મદદ કરવામાં આવતી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. દિવાળી, રથયાત્રા, ઈદ તેમજ અનેક પ્રસંગોમાં ગરીબોને મદદ કરીને ગોવિંદ ઉર્ફે ગામા તેમનો મસીહા બની ગયો હતો. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ તેની મદદ લેવા માટે આવતા હતા. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.