Western Times News

Gujarati News

મુખ્ય સચિવ અને GCCIના સભ્યોએ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીના ચાલી રહેલા પ્રોજેક્ટસની મુલાકાત લીધી

ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, આઈએએસ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યોએ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીના ચાલી રહેલા પ્રોજેક્ટસની મુલાકાત લીધી

ગાંધીનગર, ગુજરાત સરકારના અધિક  મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ગુજરાત વેપારી મહામંડળના સભ્યો સાથે આજે ભારતના સૌથી મોટા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી ધોલેરાની મુલાકાત લીધી હતી અને ધોલેરા ખાતે અધિકારીઓ સાથે માળખાકિય સુવિધાના તથા હાથ  ધરાયેલા વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી.

મેનેજીંગ ડિરેક્ટર, ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ), આઈએએસ, શ્રી હરિત શુક્લએ ભવિષ્યમાં બિઝનેસ ક્ષેત્રે ધોલેરાની મૂડી રોકાણ માટેની અસંખ્ય તકો ઉભી કરવામાં તથા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ગ્લોબલ ઈન્ટીગ્રેટેડ મલ્ટીમોડલ લોજીસ્ટીક હબના નિર્માણમાં જે નોંધપાત્ર ભૂમિકા ભજવશે.

તે અંગે માહિતી આપી હતી. ચર્ચા દરમ્યાન માનનિય અધિક મુખ્ય સચિવે ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટીની સંચાલનલક્ષી કાર્યક્ષમતા, બિઝનેસ કરવામા  તથા ટેકનોલોજી અપનાવવામાં આસાની તથા તથા ધોલેરામાં બિઝનેસની ગુણવત્તા અંગે ચર્ચા કરી હતી.

મુલાકાત દરમ્યાન અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, આઈએએસે જણાવ્યું હતું કે “ધોલેરામાં ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટીનો વિકાસ એ લાંબેગાળે ઈનોવેટીવ બિઝનેસ અને મૂડીરોકાણ માટેનું વિઝન બની રહેશે. આઈસીટીના ઉપયોગમાં  સ્માર્ટ સીટીનો સમગ્રલક્ષી અભિગમ, અર્બન ઓપરેશનની કાર્યક્ષમતા અને નવી ટેકનોલોજીનો વપરાશ તથા સંકલન સાચા અર્થમાં વર્તમાન અને ભવિષ્યની બિઝનેસની જરૂરિયાતોને પહોંચી વળવામાં ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટીના નિર્માણ માટે મહત્વના બની રહેશે.”

ધોલેરાની મુલાકાત દરમ્યાન માનનિય અધિક મુખ્ય સચિવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ટોરેન્ટ પાવર અને તાતા પાવરના સભ્યો સાથે સ્માર્ટ સીટીની સેલ્ફ-સસ્ટેનીંગ અને ઓટોમેટેડ વ્યવસ્થા અંગે પરામર્શ કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં ઔદ્યોગિકરણ, યુટિલિટી, લોજીસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ, આરોગ્ય અને અન્ય જાહેર સુવિધાઓનું સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક વૃધ્ધિને વેગ આપશે.

ધોલેરા ખાતે ડેલિગેટસ અને આગેવાનોની મુલાકાત સમયે પ્રતિભાવ આપતાં શ્રી હરિત શુક્લ, આઈએએસ મેનેજીંગ ડિરેક્ટર ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડે (ડીઆઈસીડીએલ) જણાવ્યું હતું કે “અમે અદ્વિતિય ઔદ્યોગિક સમજ ધરાવતા માનનિય અધિક મુખ્ય સચિવ સાથે ધોલેરાની વૃધ્ધિ અને વિઝન અંગે ચર્ચા કરી છે. અમે ગુજરાત ચેમ્બરના આગેવાનો અને ડેલિગેટ્સની મુલાકાતને બિઝનેસની મૂલ્યવાન સંભાવના સાથે જોડીએ છીએ.”

ધોલેરાની વિશ્વસ્તરની  માળખાકીય સુવિધાઓ અને મલ્ટીમોડલ કનેક્ટીવિટી અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના શ્રી નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે “ધોલેરા ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર, પોર્ટસ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 6 લેનના એક્પ્રેસવેઝ સાથે બિઝનેસ અને મૂડી રોકાણ માટે કરકસરયુક્ત, કાર્યક્ષમ અને સુગમ મથક બની રહેશે. અહીં સ્થપાઈ રહેલા લોજીસ્ટીક પાર્કસ અને મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કસને કારણે ધોલેરા ભારતના બજારમાં વિસ્તરણ કરવા ઈચ્છતી દેશ- વિદેશની કંપનીઓ માટે ઉત્તમ પસંદગી બની રહેશે.  જંગી મૂડીરોકાણ માટે ધોલેરા મહત્વનું સ્થળ બની રહ્યું છે અને તે શ્રેષ્ઠ ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીય સ્માર્ટ સીટી બનવાના પંથે છે.”

ગુજરાત ચેમ્બરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી હેમંત શાહે જણાવ્યું હતું કે “ધોલેરા રિન્યુએબલ, રેઝીસ્ટન્સ અને સ્માર્ટ એનર્જી સાથે ઉદ્યોગ સ્થાપવા માટે સજ્જ છે તથા બિઝનેસ માટે તેમજ ટેકનોલોજીકલ ઈનોવેશનને કારણે આર્થિક વૃધ્ધિ માટે હકારાત્મક અસર ઉભી કરીને શહેરી વિકાસમાં યોગદાન આપશે અને રહેવા લાયક શહેર બની રહેશે. વધુમાં દૂરગામી અને સ્થિતિસ્થાપક ભવિષ્યલક્ષી માળખાકિય સુવિધાઓ ધરાવતું ધોલેરા મેન્યુફેક્ચરીંગ અને હેવી ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે મૂડીરોકાણ માટેની જંગી ક્ષમતા ધરાવે છે.”

મજબૂત માળખાકીય સુવિધા ધરાવતું ધોલેરા વ્યાપક બિઝનેસની સાથે સાથે આ વિસ્તારમાં શહેરી વિકાસ માટેનું મહત્વનું સ્થળ બની રહ્યું છે અને ગ્લોબલ ગુજરાતનો મહત્વનો હિસ્સો બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.