Western Times News

Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકામાં હિંસા

દ.આફ્રિકામાં ઝુમાના સમર્થકો મૂળ ભારતીયને ટાર્ગેટ બનાવે છે -દ. આફ્રિકામાં ફૂડ સપ્લાય ચેન પર પણ હિંસાની અસર લોકોએ જરૂરી વસ્તુઓ ખરીદવા માટે લાઈનો લગાવી

જ્હોનિસબર્ગ,  દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાની ધરપકડ બાદ હવે આ દેશના સંખ્યાબંધ શહેરોમાં ભારે હિંસા ફાટી નીકળી છે. હિંસા એટલી હદે બેકાબૂ બની છે કે, તેમાં ૭૨ લોકોના મોત થઈ ચુકયા છે.ચોંકાવનારી વાત એ છેકે, હિંસા પર ઉતરેલા પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકો ભારતીય મૂળના લોકોને નિશાન બનાવી રહ્યા છે.તેમના ઘરો અને દુકાનો લૂંટવામાં આવી રહી છે.તોફાનીઓ સતત શોપિંગ મોલ્સને નિશાન બનાવી રહ્યા છે.

હાલત એવી છે કે, દક્ષિણ આફ્રિકામાં ફૂડ સપ્લાય ચેન પર પણ હિંસાની અસર પડી છે.જેના કારણે લોકોને ખાવા પીવાની વસ્તુઓ ખરીદવા માટે લાંબી કતારો લાગી રહી છે.બીજી તરફ અહીંયા રહેતા ભારતીય મૂળના લોકો ભારત સરકાર પાસે સોશિયલ મીડિયા પર મદદ માંગી રહ્યા છે.

એક ભારતીયે લખ્યુ હતુ કે, નાટાલ તેમજ જાેહાનિસબર્ગમાં ભારતીયોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.દક્ષિણ આફ્રિકામાં ૧૪ લાખથી વધારે ભારતીય રહે છે.તમામ પર ખતરો નથી પણ કેટલાક વિસ્તારોમાં ચોક્કસપણે જાેખમ છે.સાઉથ આફ્રિકાની સરકાર પાસે મદદ માંગી છે પણ કોઈ મદદ મળી નથી.

દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વ્યાપક હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સાથે દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે પણ વાત કરી છે.દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નલેદી પંડોર તરફથી ભારતીયોને સુરક્ષાનો ભરોસો આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.