Western Times News

Gujarati News

ઉમરગામમાં બે કલાકમાં ૮.૪૬ ઈંચ વરસાદ પડ્યો

प्रतिकात्मक

નવસારી, હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. રવિવારની સવારેથી દક્ષિણ ગુજરાતનાં નવસારી અને વલસાડ જિલ્લામા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. નવસારી-વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિગથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વલસાડમા સવારે ૬થી ૮ વાગ્યાના બે કલાક દરમિયાન સૌથી વધુ ઉમરગામમાં ૮.૪૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. વલસાડ ધરમપુર તથા ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. છેલ્લા ૨ કલાકના વલસાડ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં ૮.૪૬ ઇંચ, કપરાડા ૧.૪૨ ઇંચ, ધરમપુર ૩ ઇંચ, પારડી ૧.૪૬ ઇંચ, વલસાડ ૪.૩૦ ઈંચ, વાપી ૬.૩૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં ૮.૪૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં ૬.૫ ઈંચ વરસાદ પડતા સોસાયટીમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં પણ ધોડાપુર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ નવસારી અને વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ છેલ્લાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સાથે ધીમીધારે છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા હતા. દરમિયાન ગતરાતે નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી

અને આ સવારથી પણ અવિરત વરસાદ ચાલુ છે, જેના પગલે નવસારી શહેરના શહીદ ચોક, મહિલા કોલેજ, કુંભારવાડ, પ્રજાપતિ આશ્રમ, ચારપુલ, દરગાહ રોડ, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં ૨-૩ ફૂટ વરસાદી પાણી ભરાયા છે. શહેરના મુખ્ય માર્ગે વરસાદી પાણી પાણી ફરી વળતાં વાહનચાલકોને પણ નવસારી જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો છે.

ગણદેવીમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચીખલીમાં સાડા ૩ ઈંચ, નવસારીમાં ૩ ઈંચ, જલાલપોરમાં ૨.૨ ઈંચ, ખેરગામમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં વધારો થયો છે.

ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.