Western Times News

Latest News in Gujarat

ટ્રાફિકના નવા નિયમોનો પોલીસ કર્મીઓએ ફરજીયાત અમલ કરવાનો રહેશે

રાજ્યના પોલીસ વડાએ બહાર પાડેલો પરિપત્રઃનિયમોનો ભંગ કરનાર સામે  કડક કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ : કેન્દ્રીય માર્ગ અને મકાન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ટ્રાફીક નિયમો બનાવીને દેશભરમાં તેનો અમલ કરવા માટે સુચના આપી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદાની જાગવાઈમાં દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે અને આ નવા નિયમો ગુજરાતમાં તા.૧૬મીથી અમલી બનવાના છે ત્યારે રાજ્યના પોલીસ વડાએ પણ એક પરિપત્ર જાહેર કર્યો છે. અને ટ્રાફિકના નવા નિયમો પોલીસ કર્મીઓને પણ લાગુ પડશે એવું સ્પષ્ટપણે જણાવ્યુ છે. અને જા કે કોઈ પોલીસ કર્મીઓ તેનો ભંગ કરશે તો તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.

આ અંગેની વિગત એવી છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્રાફિકના કડક નિયમો બનાવ્યા છે જા કે કેટલાંક રાજ્યોએ આ નિયમોનો વિરોધ કર્યો છે જેમાં ભાજપ શાસિત ગુજરાત રાજ્યએ પણ આ નિયમોનો અમલ અટકાવ્યા હતો અને રાજ્યના મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ તેમાં જરૂરી ફેરફારો કરાયા હતા.

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી અને ખાસ કરીને દંડની રકમમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. રાજ્યમાં તા.૧૬મીથી નવા નિયમો લાગુ થવાના છે આ પરિસ્થિતિમાં   છેલ્લા કેટલાંક દિવસથી હેલ્મેટ વગર ફરતા પોલીસ કર્મીઓના વિડીયો પણ વાઈરલ થઈ રહ્યા છે. સોશ્યલ મીડીયા પર આ વિડીયો પર અનેક ટીપ્પણીઓ થઈ રહી છે.

જેનાથી ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત બાદ રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જેમાં સૌ પ્રથમ રાજયમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બનવાના છે તે તમામ નિયમોનો અમલ દરેક પોલીસ કર્મીએ કરવાનો રહેશે એવું નક્કી કરાયુ હતુ. અને આ માટે પોલીસ વડાએ તાત્કાલિક પરિપત્ર બહાર પાડ્યો છે. અને પરિપત્ર અનુસાર આ નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મી સામે પણ સામાન્ય નાગરીકની જેમ જ કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યુ છે.

રાજ્યના પોલીસ વડાએ બહાર પાડેલાં પરિપત્ર મુજબ તમામ પોલીસ કર્મીઓ પણ હવે સતર્ક બની ગયા છે. અને ટ્રાફિકના નિયમોનું તેઓ પણ પાલન કરશે. જા કે બીજી બાજુ સામાન્ય નાગરીકો પણ હવે જાગૃત બની ગયા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મીઓનો વિડીયો ઉતારી રહ્યા છે.

આ ઉપરાંત અન્ય નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવા પોલીસ વડાએ જણાવ્યુ છે. ખાસ કરીને ફરજ દરમ્યાન સ્થળ પર પોલીસ કર્મીની હાજરી જરૂરી રહેશે એવું પણ જણાવવામાં આવ્યુ છે.  અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકાઈથી અમલ કરવા માટે રાજ્યના પોલીસ વડાએ પોલીસ તંત્રને આદેશ આપી દીધો છે. અને હાલમાં સમગ્ર પોલીસ તંત્ર આ નિયમના અમલ માટે સજ્જ બની ગયુ છે. આગામી તા.૧૬મી થી તમામ પોલીસ કર્મીઓ પણ આ નિયમોનું પાલન કરવાના છે.