Western Times News

Gujarati News

રાજસ્થાન પાસિંગનું વાહન રોકીને ૨૫ હજાર માગતાં PSIનો એસીપીએ ઉધડો લીધો

પ્રતિકાત્મક

અમદાવાદ, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કટકી કરવાનો અવસર મળે ત્યાં તેઓ એક પણ તક ગુમાવતા નથી અને ફટાફટ પોતાનું ખિસ્સુ ગરમ કરી લે છે. પોલીસ કર્મચારીઓ દારૂ-જુગારના અડ્ડાથી લઇને વાહનચાલકો પાસે ટ્રાફિકના રૂલ્સ બતાવીને અનેક તરકીબોથી રૂપિયા પડાવતા હોય છે.

ગઇકાલે રાજસ્થાન પાસિંગના એક વાહનચાલક પાસેથી ૨૫ હજાર રૂપિયા પડાવવાની પીએસઆઇ અને તેમની ટીમે કોશિશ કરી હતી, જાેકે અંતે એસીપીને સમગ્ર ઘટનાની જાણ થતાં મામલો રફેદફે કરી દીધો હતો. એસીપી સમક્ષ સમગ્ર હકીકત આવતાં તેમણે પીએસઆઇ અને તેમની ટીમનો ઊધડો લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં એક વેપારી રાજસ્થાન પાસિંગનું વાહન લઇને નીકળ્યા હતા. વાહનને જાેતાની સાથે વેપારીને પોલીસે રોક્યા હતા અને રાજસ્થાન પાસિંગનું વાહન કેમ ફેરવો છો તેમ કહી દમદાટી મારી હતી. કોન્સ્ટેબલ સાથે પીએસઆઇ પણ સ્થળ પર હાજર હતા. જેથી વેપારીએ જવા દેવાનું કહ્યું હતું. વેપારીના વાહનની નંબર પ્લેટ પ્રાઇવેટ પાસિંગની હતી, જેથી તેમણે પોલીસ સાથે નિયમો જાણવાની કોશિશ કરી હતી.

ટેક્સી પાસિંગની નંબર પ્લેટ હોય તો અન્ય રાજ્યમાં વાહન લઇ જવા માટે ટેક્સ ભરવો ફરજિયાત હોય છે, પરંતુ પ્રાઇવેટ પાસિંગની નંબર પ્લેટમાં ટેક્સ લાગતો નથી.

આ મામલે પોલીસ અને વેપારી વચ્ચે રકઝક થઇ હતી. પોલીસ કર્મચારીએ વેપારી પાસે ૨૫ હજાર રૂપિયા માગીને મામલો રફેદફે કરવાની વાત કરી હતી, જાેકે સમગ્ર ઘટનાની જાણ એસીપીને થતાં તેમણે તરત જ વેપારીને જવા દેવાનો આદેશ આપ્યો હતો અને પીએસઆઇ તથા તેમની ટીમનો ઉધડો લીધો હતો.

૨૫ હજારના મામલે પીએસઆઇએ પોતાનો સૂર બદલ્યો હતો અને એસીપીને કહ્યું હતું કે જાે વાહન જમા લેવામાં આવશે તો આરટીઓમાં છોડાવવા માટે ૨૫ હજારનો દંડ ભરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.