OLX ઠગાઇનું પ્લેટફોર્મ બન્યું: સોલા અને વાસણાની બે વ્યક્તિને ગઠિયાએ છેતરી

અમદાવાદ, રાજ્યભરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ઓએએલએક્સ વસ્તુઓના ખરીદ-વેચાણ માટેનું પ્લેટફોર્મ છે, પરંતુ તે હવે છેતરપિંડી કરવાનું પણ પ્લેટફોર્મ બની રહ્યું છે. શહેરના સોલા અને વાસણામાં રહેતી બે વ્યક્તિઓએ ઓએલએક્સ પર જૂના સોફા અને જૂનું ફ્રીઝ વેચવા જતા રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
છારોડી કેડિલા ફાર્માની સામે રહેતા અનેક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નીરવ વ્યાસે સોલા પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે. નીરવે ઓએલએક્સ વેબસાઇટ પર તેમના જૂના સોફા વેચવા માટેની જાહેરાત મૂકી હતી અને જાહેરાતમાં નીરવે તેમના પત્ની પિંકલના મોબાઇલ નંબર અપડેટ કર્યો હતો.
તા.૨૫ માર્ચના રોજ સવારમાં એક ગઠિયાએ ફોન કરીને કહ્યું કે અમારે તમારા સોફા ખરીદવા છે. ગઠિયાએ પિંકલને ભાવતાલ માટે બેથી ત્રણ વાર ફોન કર્યા હતા અને ગઠિયાએ સોફા ૧૭ હજાર રૂપિયામાં લેવાનું નક્કી કરીને રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી હતી.
ગઠિયાએ પિંકલને તમે પેટીએમ યુઝ કરો છો એમ કહેતાં પિંકલે હા પાડી હતી. ત્યારબાદ પિંકલે ગઠિયાના મોબાઇલ પર એક ક્યુઆરકોડ મોકલ્યો હતો અને પછી કહ્યું કે તે તમે સ્કેન કરો પછી હું એક રૂપિયા ટ્રાન્સફર કરી તમારું એકાઉન્ટ કન્ફર્મ કરું. ગઠિયાએ આમ કહેતાં પિંકલ ગઠિયાની જાળમાં ફસાઇ ગયા હતા. ત્યારબાદ પિંકલના ખાતામાંથી ૬૭ હજાર રૂપિયા ડેબિટ થઇ ગયા હતા. સોલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આવી જ એક બીજી એક ઘટના વાસણા વિસ્તારમાં બની છે. વાસણા રત્નરુચિ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇન્કમટેક્સ રિટર્નને લગતું કામકાજ કરતા રક્ત અક્ષત શાહે પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે. અક્ષતે ઓએલએક્સ વેબસાઇટ પર જુનું ફ્રીઝ વેચવા મુક્યું હતું. તા.૧ જુલાઇના રોજ એક ગઠિયાએ ફોન કરી જૂનું ફ્રીઝ ખરીદવાનું કહી ૨૦ હજારમાં સોદો નક્કી કર્યો હતો.
ગઠિયાએ અક્ષતને કહ્યું કે હું તમને વોટ્સએપમાં સ્કેનિંગ કોર્ડ મોકલું છું, જે તમે તમારા ગૂગલ-પેમાં સ્કેન કરશો તો તમારા ખાતમાં ૨૦ હજાર રૂપિયા જમા થઇ જશે.
આમ કહીને બે-ત્રણ વાર અલગ અલગ બહાના બનાવીને ગઠિયાએ અક્ષતના ખાતામાંથી ૯૮ હજાર રૂપિયા સેરવી લીધા હતા. ત્યારબાદ અક્ષતે ગઠિયાને ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી અક્ષતે ગઠિયા વિરૂદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો છે. તમે કેન્દ્ર સરકારની cybercrime.gov.in (https://cybercrime.gov.in/ આ વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકો છો. બદલાતા સમયમાં સાયબર ક્રાઇમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઊભા થાય છે. ત્યારે કાયદો -વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી છે.
સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે. કોઇ ડેબિટકાર્ડ, ક્રેડિટકાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હોય, ઇન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડ્યા હોય કે ઓએલએક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુના સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે.
આ પ્રકારની ફરિયાદ નોંધવા માટે ભારત સરકાર દ્વારા એક નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે કે જેની અંદર નાગરિકો પોતાના સાયબર ક્રાઇમની ફરિયાદોને ઓનલાઇન તેમના પોર્ટલ પર રજિસ્ટર કરાવી શકે છે અને તે કમ્પ્લેનની અંદર કેટલો પ્રોગ્રેસ થયો છે તે પણ જાણી શકે છે. તમારી સાથે ક્યારેય પણ આ પ્રકારનો કોઇપણ ઓનલાઇન ફ્રોડ અથવા સ્કેમ થયો હોય તો તમે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકો છો.