સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

ડેમમાં ઉપરવાસમાંથી ૨૧,૯૪૯ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે
નર્મદા, ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.
હાલ ડેમમાં ઉપરવાસમાંથી ૨૧,૯૪૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ૭,૭૬૧ ક્યુસેક પાણીની જાવક છે. હાલ ડેમના તમામ દરવાજા બંધ છે. ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ સેમીની વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. જેની સામે હાલ ડેમની સપાટી ૧૧૬.૦૯ મીટર છે. ડેમમાં હાલ ૪૪૫૯ એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જાે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે તો આ સીઝનમાં ડેમ તેની મહત્તમ સપાટી પર પહોંચી શકે છે.
ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ નર્મદા જિલ્લામાં પણ મેઘમહેર ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં સૌથી વધારે ૫.૬ ઇંચ વરસાદ પડ્યો છે. ગરુડેસ્વર તાલુકોઃ ૨.૨ ઇંચ, ડેડીયાપાડા તાલુકોઃ ૧.૭ ઇંચ, તિલકવાડા તાલુકોઃ ૫.૬ ઇંચ, નાંદોદ તાલુકોઃ ૧.૨ ઇંચ, સાગબારાઃ ૧ ઇંચ વરસાદ.
૨૪ કલાકમાં રાજ્યના ૨૦૯ તાલુકામાં વરસાદઃ રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. કાલાવાડ ૬ ઈંચ અને કપરાડામાં ૫ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.
આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંકડાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ, કવાંટમાં ૬.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે ૪૫ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૯૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.