Western Times News

Latest News from Gujarat India

રાજ્યમાં મંદિરોની દાનપેટીઓ ભક્તોના પ્રેમભાવથી છલકાઈ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં જ લોકો ભગવાનના શરણે જઈ રહ્યા છે. આ ઘાતક બીજી લહેરમાં પોતે બચી ગયા હોવાનો આભાર માનતા લોકો પોતપોતાની શ્રદ્ધા મુજબ દાન ધર્મ કરી રહ્યા છે. ગુજરાતના પ્રમુખ યાત્રાધામોની દાન પેટીઓ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતાં દાનથી છલકાઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કેસ ઓછાં થતાં લોકડાઉન અને કર્ફ્‌યુના નિયમોમાં ઢીલાશ આપવામં આવી છે. જેના કારણે કોરોના મહામારીમાં જે મંદિરોમાં આવક ખૂબ જ ઓછી થઈ ગઈ હતી ત્યાં હવે ફરી એકવાર શ્રદ્ધાળુઓના ટોળા જાેવા મળી રહ્યા છે.

સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર હોય કે દ્વારકાધિશનું મંદિર તેમજ અંબાજીનું મંદિર હોય કે ડાકોરમાં આવેલું રણછોડરાયનું મંદિર દરેક જગ્યાએ દાન ધર્માદાની આવક ફરી એકવાર કોરોના આવ્યો તે પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. આશ્ચર્યની વાત છે કે અંબાજી મંદિરમાં તો છેલ્લા બે મહિનામાં ભાવિકોના ધસારામાં એટલો વધારો થયો છે કે દાનની આવક કોરોના આવ્યો તે પહેલાના સ્તરને પણ પાર કરી ગઈ છે. શ્રી આરાસુરી અમ્બાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ ઓફિસર શિવજીભાઈ પ્રજાપતિએ કહ્યું કે, ‘હાલના સમયમાં સરેરાશ સાપ્તાહિક દાનની આવક રુ. ૪૦ લાખ પહોંચી ગઈ છે

જે કોરોના પહેલા રુ ૩૦ લાખ આસપાસ રહેતી હતી.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘માસિક સરેરાશ આવક પણ રુ. ૨ કરોડને આંબી રહી છે જે કોરોના પહેલા દોઢ કરોડ રુપિયા આસપાસ રહેતી હતી. આ દાનની આવકમાં ઓનલાઈન દાનની આવકનો પણ સમાવેશ છે. તો મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પણ કોરોના આવ્યો તે પહેલના સ્તરે પહોંચી ગઈ છે. ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર એસ જે ચાવડાએ કહ્યું કે મંદિરમાં દૈનિક ફૂટફોલ ૧૨ હજારની આસપાસ પહોંચી ગયો છે. તેમાં પણ વીકેન્ડમાં આ સંખ્યાં ૩૦-૩૫ હજાર આસપાસ થઈ જાય છે. જાેકે રાજ્યના ચાર પ્રખ્યાત મંદિરોમાં ભક્તો તરફથી મળેલા દાનમાં ગત વર્ષની તુલનામાં ૨૦૨૦-૨૧ દરમિયાન સરેરાશ ૩૭% જેટલો ઘટાડો જાેવા મળ્યો હતો.

જ્યારે આ મંદિરોની વ્યક્તિગત આવક અંગે હિસાબ કરવામાં આવે તો આ ઘટાડો ૨૦% થી ૫૫%ની વચ્ચે હતો. ૨૦૧૯-૨૦૨૦ માં થયેલી આવક રુ ૧૧૯.૩૫ કરોડથી ઘટીને ૨૦૨૦-૨૧માં રુ. ૭૪.૯૧ કરોડ થઈ ગઈ છે. જાે કે, હવે સ્તિથિ આગળ સુધરી રહી છે. દાનમાં વધારા સાથે, ડાકોર મંદિર કે જ્યાં દર વર્ષે જન્માષ્ટમી પર વિશાળ મેળો ભરાય છે. આ વર્ષે પણ મુલાકાતીઓનો ધસારો થવાની શક્યતા છે. તહેવારના સમયગાળા દરમિયાન ૨૦૧૯ માં લગભગ ૧.૭૫ લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. “જુલાઈ ૨૦૧૯ માં મંદિરને મળેલ દાન આશરે ૧ કરોડ રુપિયા હતું. અમને આ જુલાઈમાં પણ એવું જ પરિણામ મળશે તેવી અપેક્ષા છે. તેમ ડાકોર મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં સોમનાથ મંદિરમાં સરેરાશ માસિક દાનમાં પણ વધારો થયો છે અને રુપિયા ૨.૫ કરોડને પહોંચી ગયું છે.

લોકડાઉન પહેલાં મહિનામાં લગભગ ૫ કરોડ રુપિયા દાન આવતું હતું. મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની આવકમાં મોટો ઘટાડો થયો છે. તુલના કરીએ તો ૨૦૧૯-૨૦૨૦માં રુ. ૪૪ કરોડ દાનની આવક પેટે મળ્યા હતા જેના સાપેક્ષમાં ૨૦૨૦-૨૧માં માત્ર ૨૦.૨૪ કરોડ રુપિયા દાનમાં આવ્યા હતા. સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હવે, દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અમે દરરોજ લગભગ ૭,૦૦૦-૮,૦૦૦ ભક્તો જાેઈ રહ્યા છીએ.

ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે ફરી એકવાર મંદિરમાં કોવિડ પહેલાં જેમ દિવસ દીઠ ૧૨,૦૦૦ શ્રદ્ધાળુઓ આવતાં હતા તે સંખ્યા સુધી પહોંચશે. વીકેન્ડમાં આ સંખ્યા વધીને ૧૫,૦૦૦ જેટલી થાય છે. પરંતુ અમને આશા છે કે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત આગામી કેટલાક દિવસોમાં થશે. ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થશે. મહામારી ફાટી નીકળી તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીમાં ૨ લાખથી વધુ લોકો પવિત્ર મંદિરની મુલાકાત લેતા હતા. તેમ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે “જૂનમાં મંદિરને શ્રદ્ધાળુઓ તરફથી દાન પેટે આશરે ૬.૭ લાખ રુપિયા મળ્યા હતા,

જ્યારે જુલાઈમાં અત્યાર સુધીમાં ભક્તો તરફથી રુ. ૬.૨૩ લાખ મળ્યા છે. જાેકે હવે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. હાલમાં દરરોજ લગભગ ૭,૦૦૦-૮,૦૦૦ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લે છે. જાેકે વીકેન્ડમાં આ સંખ્યા લગભગ ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ જેટલી થઈ જાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers