વિપક્ષનો હંગામાને જાેતા ચોમાસુ સત્ર વહેલા સમાપ્ત થશે ?
        નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જે પ્રકારની આશંકા હતી તે મુજબ જ ચોમાસુ સત્ર હંગામાને ભેટ ચડી રહ્યું છે. સંસદનું ચોમાસું સત્ર ૧૯ જુલાઈથી શરૂ થઈને ૧૩ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનું છે અને આ સત્ર દરમિયાન ૧૯ બેઠકો પ્રસ્તાવિત છે. સ્થિતિ એ છે કે સંસદનું અડધું સત્ર પસાર થયા બાદ હંગામા વચ્ચે અત્યાર સુધીમાં માત્ર ત્રણ બિલ પસાર થયા છે. એટલું જ નહીં, રાજ્યસભામાં ચોમાસુ સત્ર નવ દિવસોમાં માત્ર ૮.૨ કલાક ચાલ્યુ છે. આ સ્થિતિમાં સમાચાર છે કે સરકાર નિર્ધારિત સમય પહેલા ચોમાસુ સત્ર સમાપ્ત કરી શકે છે.
સરકાર વિપક્ષના નેતાઓને ચોમાસુ સત્ર વહેલા સમાપ્ત કરતા પહેલા શાંતિપૂર્ણ કામગીરી માટે સંમત થવા માટે સમજાવવા પ્રયત્નો કરશે. સત્રની શરૂઆત સાથે જ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી ગૃહમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. સદનમાં હંગામા વચ્ચે ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે, તેમાં શિપિંગ મેરીટાઇમ આસિસ્ટન્સ બિલ ૨૦૨૧, જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) સુધારા બિલ ૨૦૨૧ અને ફેક્ટરિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧ નો સમાવેશ થાય છે. સોમવારે સંસદની કાર્યવાહી ફરી એકવાર શરૂ થશે ત્યારે કેન્દ્ર સરકાર નવી રણનીતિ સાથે ઉતરશે, તેમ છત્તા હંગામો યથાવત રહ્યો તો સરકાર સત્ર સમાપ્ત કરી શકે છે.
