બાળકોમાં ભાગ્યે કોરોનાના લાંબા ગાળાના લક્ષણો જાેવા મળે છે
નવી દિલ્હી: કોરોનાના લાંબાગાળાના લક્ષણો બાળકોમાં ભાગ્યે જ જાેવા મળે છે. ધ લેન્સેટ ચાઈલ્ડ એન્ડ એડલેસન્ટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા સ્ટડીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સામાન્ય રીતે બાળકો સંક્રમિત થયાના ૬ દિવસમાં સાજા થઈ જાય છે અને ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી લક્ષણો દેખાય તેવા બાળદર્દીઓની સંખ્યા માત્ર ૪ ટકાની આસપાસ છે. પેરેન્ટ્સ અને સારસંભાળ રાખતા વ્યક્તિઓ દ્વારા સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતી એક એપ થકી એકત્ર કરવામાં આવેલા ડેટાને સ્ટડી કરવામાં આવ્યો છે. સ્ટડીમાં સ્કૂલે જતા બાળકોમાં દેખાતા લક્ષણોની પહેલી વિગતવાર માહિતી છે અને તેના પરથી ખાતરી કરવામાં આવી છે કે, બાળકોમાં લાંબાગાળાના લક્ષણો દુર્લભ છે. બીજી તરફ ભારત અને દુનિયાના બીજા દેશોમાં સ્થાપિત થયું છે કે, પુખ્ત વયના દર્દીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના મહિનાઓ પછી પણ બીમાર રહે છે જેને લોંગ કોવિડ કહેવામાં આવે છે.
આ નવા સ્ટડી પર પ્રતિક્રિયા આપતાં અપોલો હોસ્પિટલ્સના સિનિયર પિડીયાટ્રિક ગેસ્ટ્રોનેટ્રોલોજીસ્ટ ડૉ. અનુપમ સિબ્બલે કહ્યું, “ભારતમાં કોરોનાની પહેલી અને બીજી બંને લહેર દરમિયાન મોટાભાગના કોવિડ પોઝિટિવ બાળકોમાં લક્ષણો નહોતા દેખાતા. બાળકને કોરોના હોવાનું નિદાન થયું કારણકે તેમના પરિવારમાંથી કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનો ટેસ્ટ થયો હતો. જે બાળકો સંક્રમિત થયા હતા
લક્ષણો દેખાતા હતા તેમને સામાન્ય તાવ, ઉધરસ અને ગંધ જતી રહેવા જેવી તકલીફો થઈ હતી. કોરોના સંક્રમિત થયેલા બાળકોમાંથી માત્ર ૧%ને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી અને તે પણ મલ્ટી-સિસ્ટમેટિક ઈન્ફ્લેમેશનના કારણે. લેન્સેટના નવા સ્ટડીમાં સંશોધનકર્તાઓએ ઝેડઓઈ કોવિડ સ્ટડી નામની સ્માર્ટફોન એપ દ્વારા ડેટા એકત્ર કર્યો હતો. આ એપ સાથે યુકેના ૫થી૧૭ વર્ષની ઉંમરના ૨,૫૦,૦૦૦ બાળકો સંકળાયેલા છે. આ એપ પર લક્ષણો સંક્રમિત બાળકોના માતાપિતા કે સંભાળ રાખતા વ્યક્તિઓ દ્વારા નોંધાવામાં આવ્યા હતા નહીં કે બાળકોએ પોતે એપનો ઉપયોગ કર્યો હતો. ટીમે ડેટા એકત્ર કરતી વખતે સ્કૂલ અટેન્ડન્સને ધ્યાનમાં લીધી નહોતી, તેવું લેન્સેટ દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે.
મોટાભાગના બાળકો ચાર અઠવાડિયામાં સાજા થઈ ગયા હતા. જ્યારે કોરોના મટ્યાના એક મહિના પછી પણ લક્ષણો દેખાતા હોય તેવા બાળકોની સંખ્યા ખૂબ ઓછી (૧૭૩૪માંથી ૭૭ અથવા ૪.૪%) હતી. આ બાળકોમાં ચાર અઠવાડિયા પછી માત્ર બે લક્ષણ દેખાતા હતા. લાંબી બીમારી દરમિયાન બાળકોએ અનુભવેલું સૌથી સામાન્ય લક્ષણ હતું થાક.