ડેમમાં પડેલા બાળકને પોલીસે બચાવી લીધો
મધ્યપ્રદેશમાં પુરમાં પોલીસનું પ્રસંશનીય સાહસ-ડેમમાંથી બચાવી હોસ્પિટલ લઈ જતા સમયે ટ્રેનની સામેથી પસાર થઈને બાળકને હોસ્પિટલમાં પહોંચાડ્યો
ભોપાલ, મધ્ય પ્રદેશના દતિયા ગામે પોલીસ ઓફિસરના સાહસથી એક બાળકનો જીવ બચી ગયો છે. બાળક ડેમમાં પડી ગયુ હતું. પોલીસ કર્મચારીએ તેને ડેમમાથી કાઢી તેને ઉંચકીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી, પરંતુ વચ્ચે રેલવે ટ્રેક આવ્યો,
તેનું ફાટક બંધ હતુ અને સામેથી ટ્રેન પણ આવી રહી હતી તેમ છત્તા પોલીસે પોતાનુ સાહસ બતાવી ટ્રેનની સામેથી પસાર થઈ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડ્યું હતું. ડોક્ટરે તાત્કાલિક તેની સારવાર શરુ કરી અને બાળકની સ્થિતિ જાેઈને કહ્યું કે જાે ૫ મિનિટ મોડું થયુ હોત તો બાળકનો જીવ ના બચી શકેત.
કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ ઘટના રવિવાર સાંજની છે. દતિયાના રહેવાસી ૧૧ વર્ષિય હેમંત કેવટ અંગૂરી નદીના કિનારે બકરીઓ ચરાવવા ગયો હતો. ત્યાં પગ લપસતા અંગૂરી નદીના ડેમમાં પડ્યો. હેમંત ડૂબવા લાગ્યો ત્યારે કેટલાક લોકોની તેના પર નજર પડી. તેમણે તાત્કાલીક પોલીસને સૂચના આપી.
ઘટનાસ્થળથી ૨૦૦ મીટર દૂર ચિરુલા પોલીસ સ્ટેશનના સ્ટેશન હેડ ગિરીશ શર્મા સૂચના મળતા જ પાંચ મિનિટની અંદર પોલીસ જવાનો સાથે અંગૂરી નદી ડેમ તરફ નિકળ્યા. ઘટનાસ્થળથી ૧૦૦ મીટરના અંતરે રેલવે ફાટક છે જે સાંજે બંધ થાય ત્યારે ૨૦-૨૫ મિનિટ પછી ખુલે છે. ગિરીશ શર્મા આવ્યા ત્યારે ફાટક બંધ હતું.
તેઓએ ફાટકની આ બાજુ બોલેરો પાર્ક કરી અને તેમના સાથીઓ સાથે ડેમ પર પહોંચ્યા. બાળક બચવાના પ્રયાસમાં પાણીમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો ત્યારે ઘટનાસ્થળે જ કેટલાક લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગિરીશ શર્માએ પોલીસ દળની મદદથી તેને બહાર કાઢ્યો. આ સમય દરમિયાન હેમંતનો શ્વાસ બંધ પડી રહ્યો હતો.
મોં અને નાકમાં પાણી ભરાઈ ગયું હતું. ગિરીશ શર્મા બાળકને પોતાના હાથમાં લઈને પોલીસની કાર તરફ દોડ્યા. બાળકને ઉંચકીને ગિરીશ જ્યારે ફાટક સુધી પહોચ્યા ત્યારે ટ્રેક પર માલગાડી આવી રહી હતી જે તેમનાથી થોડા જ મીટરની દૂરી પર હતી.
પરંતુ બાળકની સ્થિતિ જાેતા રાહ જાેવી પરવડે તેવું નહોતું. પોલીસ અધિકારીએ સાહસ કરી ટ્રેનની સામેથી પસાર થઈ ફાટક ક્રોસ કરી લીધુ અને બાળકને હોસ્પિટલ પહોચાડ્યું. ડોક્ટરોએ તેની સારવાર ચાલુ કરી તેના મોં તેમજ નાકમાંથી પાણી કાઢી ઓક્સિજન પર બાળકને રાખવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિમાં સુધારો જાેવા મળ્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકો ગિરીશ શર્માની પ્રશંષા કરી કહ્યા છે. ગિરીશ શર્માનું કહેવુ છે કે આ મારી ફરજ હતી. મને આનંદ છે કે હું તે બાળકનો જીવ બચાવી શક્યો.