Western Times News

Gujarati News

ગંગા સ્વરૂપ બહેનોને પુન:લગ્ન  કરી નવા જીવન માટે પ્રોત્સાહિત કરવા  માટે “ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના

પ્રતિકાત્મક

“ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ રૂા. ૫૦,૦૦૦/- ની મદદ કરવા રાજ્ય સરકારે ઠરાવ્યું છે.

રાજપીપલા, રાજ્ય સરકારની મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા સશક્તિકરણની સાથે તેમના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં હવે આ ગંગા સ્વરૂપ બહેનોને પુન:લગ્ન  કરી નવા જીવન માટે પ્રોત્સાહિત કરવા માટે “ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ રૂા. ૫૦,૦૦૦/- ની મદદ કરવા રાજ્ય સરકારે ઠરાવ્યું છે.

ઉક્ત યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત સમયમાં પુન: સ્થાપિત કરવાના અભિગમ સાથે પુન: લગ્ન કરેલ લાભાર્થી મહિલાના બચત ખાતામાં ડી.બી.ટી. મારફતે રૂા. ૨૫,૦૦૦/- જમા કરવામાં આવશે, જ્યારે રૂા. ૨૫,૦૦૦/- ની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સ્વરૂપે મળી કુલ રૂા. ૫૦,૦૦૦/- ની આર્થિક સહાય અપાશે. મહિલાની ઉંમર ૧૮ થી ૫૦  વર્ષની વચ્ચેની  હોવી જોઇએ.

તેમજ મહિલા જે વ્યક્તિ સાથે પુન: લગ્ન કરવા માંગે છે તેના પત્ની હયાત ન હોવી જોઇએ. યોજનાનો લાભ લેવા મહિલાએ પુન: લગ્ન કર્યાના ૬ મહિનામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ માટેના અરજી પત્રક મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ wcd.gujarat.gov.in પરથી મળશે, અરજી ફોર્મ ભર્યા બાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં. ૧૨, ભોંય તળિયે, જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે જમા કરાવવાનું રહેશે તેમ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી  તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.