Western Times News

Gujarati News

જેલમાં બંધ ભેજાબાજના કાંડથી પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

ભેજાબાજે લોકો પાસેથી ૨૦૦ કરોડ પડાવ્યા -માલેતુજારોને તેમની સામે કાર્યવાહીની તૈયારી છે એમ કહીને બચાવવાની ખાતરી આપી પૈસા પડાવતો હતો

નવી દિલ્હી,  માણસમાં અક્કલ હોય તો તે ગમે ત્યાંથી રુપિયા કમાઈ શકે છે. પરંતુ દિલ્હીની તિહાર જેલમાં બંધ એક કેદીએ તો એવી અક્કલ ચલાવી કે તેનો કાંડ બહાર આવ્યા બાદ પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. આ મહાશયે જેલમાં બેઠા-બેઠા જ લોકોને ફોન કરીને ફસાવવાનો ધંધો શરુ કર્યો હતો,

અને તેમની પાસેથી તેણે ૨૦૦ કરોડ રુપિયા જેવી માતબર રકમ પડાવી હોવાનું હવે પોલીસ પણ સ્વીકારી રહી છે. પોલીસનું કહેવું છે કે આવો કાંડ તો દિલ્હીમાં હજુ સુધી કોઈ જેલની બહાર રહીને પણ નથી કરી શક્યું. સુકેશ મૂળ બેંગલુરુનો છે.

જેલમાં રહીને મોટો ખેલ કરનારા આ કેદીનું નામ સુકેશ ચંદ્રશેખર છે. તેની સામે થયેલી તપાસમાં એવું બહાર આવ્યું છે કે, અનેક માલેતુજાર લોકોને ખંખેરનારા સુકેશે દિલ્હીના એક બિઝનેસમેનને એક કેસમાં તેની સામે કાર્યવાહી થવાની તૈયારીમાં છે તેવું કહીને તેની પાસેથી ૫૦ કરોડ રુપિયા પડાવ્યા હતા.

તે પોતાના શિકારને એવું કહેતો કે તેના ઉચ્ચ સ્તર પર સંપર્કો છે, અને તે તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી બચાવી શકે છે. આવું કહીને તે ઉપર સુધી વહીવટ કરવો પડશે તેવી વાતો કરીને ટાર્ગેટ પાસેથી મસમોટી રકમ પડાવતો હતો.

દિલ્હીના જે બિઝનેસમેન પાસે તેણે ૫૦ કરોડ રુપિયા પડાવ્યા હતા, તેને એવો અંદાજ આવી ગયો હતો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલે તેણે પોલીસ ફરિયાદ કર્યા બાદ સુકેશ સામે તપાસ શરુ કરવામાં આવી હતી.

જેમાં તેણે જેલમાંથી જ ફોન કરીને કેટલાય લોકો પાસેથી ૨૦૦ કરોડ રુપિયા જેટલી રકમ પડાવી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જ્યાં સુધી દિલ્હીના બિઝનેસમેને ફરિયાદ ના કરી ત્યાં સુધી પોલીસને કે જેલતંત્રને ખબર જ નહોતી કે સુકેશ જેલમાં રહીને પણ આવા ધંધા કરી રહ્યો છે.

સુકેશ સામે દેશભરમાં છેતરપિંડીના અનેક કેસ નોંધાયેલા છે. તેણે સીબીઆઈના અધિકારીના નામ આપીને તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ રાયપતિ સંબાશિવા રાવ પાસેથી પણ મોટી રકમ પડાવી હતી. તેણે સીબીઆઈ ઉપરાંત, હોમ મિનિસ્ટ્રીના મોટા અધિકારી હોવાનો ડોળ કરીને સાંસદને એક કેસમાં જામીન અપાવવા ૧૦૦ કરોડ રુપિયા માગ્યા હતા.

તમિલનાડુના નેતા ટીટીવી દિનાકરન પાસેથી પણ કથિત રીતે ૫૦ કરોડ લેવાના કેસમાં સુકેશની ધરપકડ થઈ ચૂકી છે. તેણે ચૂંટણી પંચને એઆઈએડીએમકેના સિમ્બોલને શશીકલા માટે લેવા ૫૦ કરોડનો વહીવટ કરવો પડશે તેવી વાત કરી હતી. તેણે એવું કહ્યું હતું કે તેના ચૂંટણી પંચમાં ઉપર સુધી સંપર્ક છે. ૨૦૧૭ની આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે જ્યારે તે દિલ્હીની એક હોટેલમાં રોકાયો હતો ત્યારે તેના રુમ પર દરોડો પાડ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.