Western Times News

Gujarati News

રાજકોટના ચેકડેમમાં ન્હાવા જતાં ત્રણ યુવતીઓનાં મોત

ઘટનાની જાણ થતા તાત્કાલિક પહોંચેલા ફાયર બ્રિગેડના કાફલાએ ત્રણે યુવતીના મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢ્યા

રાજકોટ, રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામે આવેલા ચેકડેમમાં ત્રણ યુવતીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો કાફલો તેમજ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.સાથે જ સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન પણ નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં બહેનપણીઓની નજર સામે જ ત્રણ ત્રણ બહેનપણીના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક રહીશોએ પોલીસ, ફાયરબ્રિગેડ તથા ૧૦૮ ઇમરજન્સી સેવાને ફોન કરી માહિતી આપી હતી કે, શાપર વેરાવળ નજીક આવેલા ઢોલરા કાંગશીયાળી વચ્ચે ચેકડેમમાં ન્હાવા દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ ડૂબી છે.

તમામ વિભાગને ફોન દ્વારા જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ, ફાયર વિભાગ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુરૂવારના રોજ બપોરના સમયે દેવીપૂજક પરિવારની ૧૮ વર્ષીય દીકરી કોમલબેન, ૨૪ વર્ષીય દીકરી સોનલબેન તેમજ ૩૫ વર્ષીય મીઢુરબેન સહિત કુલ ૫ યુવતી તેમજ મહિલાઓ ન્હાવા માટે ચેકડેમ ખાતે પહોંચી હતી.

આ દરમિયાન કોમલબેન, સોનલબેન અને મીઢુરબેન ડૂબવા લાગતા તેઓનાં મોત નિપજ્યા હતા. બાકી રહેલી બે મહિલાઓને સલામત બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એમ્બ્રાલડ ક્લબમાં સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા ૧૩ વર્ષીય મૌર્ય નામના સગીરનું ડૂબવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું.

તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. કમનસિબે આ ઘટનામાં ત્રણ ત્રણ યુવતીઓનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન ગામની આસપાસમાં આવેલા ચેકડેમો કે પછી નદી અને નદી પરના ચેકડેમોમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.