Western Times News

Gujarati News

બીજા લગ્ન ઘરેલું હિંસા ન કહેવાય, પત્ની કેસ ન કરી શકે

નાગપુર, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે છૂટાછેડા થઈ ગયા બાદ પતિ બીજા લગ્ન કરે તો તેને પહેલી પત્ની પ્રત્યે ઘરેલું હિંસા આચરી ના કહેવાય. જસ્ટિસ મનિષ પિતાલેએ પોતાના જજમેન્ટમાં જણાવ્યું હતું કે પતિએ છૂટાછેડા થઈ ગયા બાદ બીજા લગ્ન કર્યા હોવાથી પહેલી પત્ની પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ (ડીવી) એક્ટ, ૨૦૦૫ હેઠળ તેની સામે કેસ ના કરી શકે. કોર્ટે કહ્યું હતું કે પૂર્વ પત્ની એવો દાવો ચોક્કસ કરી શકે કે લગ્નજીવન દરમિયાન તેની સાથે ઘરેલુ હિંસા આચરવામાં આવી હતી.

આ કેસમાં મહારાષ્ટ્રના અકોલામાં રહેતી એક મહિલાએ પોતાના પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી. જેમાં તેણે પતિના બીજા લગ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાેકે, કોર્ટે તેની સામે વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે છૂટછેડા થઈ ગયા બાદ પણ પતિ અને સાસરિયાંને ઘરેલુ હિંસાના આરોપી ના બનાવી શકાય. આ મામલે સ્થાનિક કોર્ટે આરોપી પક્ષની દલીલ સાંભળવાનો ઈનકાર કરી દેતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આરોપી પક્ષની તરફે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ કાયદા વડે પોતાના સાસરિયાને પરેશાન કરવા માગે છે તેવું દેખાઈ રહ્યું છે.

આ કપલના લગ્ન ૧૩ માર્ચ ૨૦૧૧ના રોજ થયા હતા, પરંતુ થોડા જ સમયમાં તેમની વચ્ચે ઝઘડા શરુ થઈ ગયા હતા. ત્યારબાદ પત્ની પોતાના પર ક્રૂરતા આચરી રહી છે તેવા દાવા સાથે પતિએ છૂટાછેડાનો કેસ કર્યો હતો. અકોલા ફેમિલી કોર્ટે તેને ગ્રાહ્ય રાખીને ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. પત્ની આ દરમિયાન પોતાના વૈવાહિક હક્કને પુનઃસ્થાપવા અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

નીચલી કોર્ટના આ ચુકાદાને મહિલાએ ૨૦૧૫માં હાઈકોર્ટ અને ત્યારબાદ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો, પરંતુ તેને ક્યાંયથી રાહત નહોતી. આ દરમિયાન પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પત્નીએ પતિ અને સાસરિયા પર નવેસરથી ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરીને તેમાં તેના બીજા લગ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર અકોલાની કોર્ટે પતિ વિરુદ્ધ નોટિસ કાઢી હતી, અને તેની ક્વોશિંગ અરજી પણ ફગાવી દીધી હતી. નીચલી કોર્ટમાં કરાયેલા કેસ વિરુદ્ધ પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, પતિના બીજા લગ્નને તેની પૂર્વ પત્ની ઘરેલુ હિંસા ના ગણાવી શકે, અને આ આરોપ સ્વીકાર્ય પણ નથી. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના સેક્શન ૩ અનુસાર, તે શારીરિક, જાતિય, શાબ્દિક, આર્થિક કે પછી લાગણીની દ્રષ્ટિએ અપાયેલો ત્રાસ હોઈ શકે. જેમાં છૂટાછેડા બાદ પતિએ કરેલા બીજા લગ્નનો સમાવેશ નથી થતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.