Western Times News

Gujarati News

માસૂમ બાળકોનો વેપાર કરતી મહિલા ટોળકી નડિયાદમાંથી પકડાઈ

નડિયાદમાં બાળકોના વેપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો

નડિયાદ, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને બાળકોનો સોદો કરનાર ત્રણ મહિલાઓ સહિત ચાર મહિલાઓની અટકાયત કરી છે.

આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી બાળકી મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મુળ બહારની અને હાલ નડિયાદ સ્થાઈ થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. ૧૦૪, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાના છે. આ મહિલા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડીલીવરી કરાવે છે. જે બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી એસઓજીને મળી હતી.

બાતમીના આધારે ખેડા એસઓજીએ મહિલા પીએસઆઇ આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી. મહિલા પીએસઆઇ ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અહીંયા માયાબેનની સાથે અન્ય મોનીકાબેન મહેશ શાહ

(રહે.કિશન સમોસાનો ખાંચો, વાણીયાવડ, નડિયાદ) અને પુષ્પાબેન સંદિપ પટેલીયા (રહે. રામાદૂધાની ચાલી, મીલ રોડ, નડિયાદ) પણ હાજર હતી. આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જાેઈએ છે તેવી વાત કરતાં આ ત્રણેય મહિલાઓએ ઘુસપુસ કરી થોડી વાર ઉભા રહો અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ ૬ લાખ રૂપિયા નક્કી કરાયો હતો.

બાળક ખરીદવા માટે તૈયારી બતાવતા જ ત્રણ પૈકીની એક મહિલા બાળક લઈને આવી હતી. જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી. જે પછી પુછતાછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટેલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું.

આથી પોલીસે આ ત્રણેય મહિલાઓને સાથે રાખી ઉપરોક્ત હોટેલમાં જઈ રૂમ નં. ૨૦૩માંથી આ મહિલાની અટકાયત કરી છે. જેમાં તેણીનું નામ પુછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબુલ્યું છે. પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી ૩૭૦, ૧૪૪, ૧૨૦મ્, ૫૧૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જાેકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે એમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.