Western Times News

Gujarati News

ટ્રકે કારને ટક્કર મારતા ૩ લોકોના મોત નિપજ્યા

સુરત, નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે ગોઝારો અકસ્માત નડ્યો છે, જેમાં પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે બે બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારમાં મૂળ મધ્યપ્રદેશના કામદારો સવાર હતા. આ ઇકો કાર હાઇવેના ખડસુપા ઓવરબ્રિજ ઉપર બંધ પડી ગઇ હતી. આ બંધ પડેલી ઇકો કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો. તેઓ રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. આ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે આવીને અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી. ત્યારે આ કારમાં સવાર પરિવારના લોકો સૂતા હતા. તે સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર હવામાં ફંગોળાઇ ગઇ હતી. જેમાં પરિવારના બે મહિલા અને એક પુરુષના મોત નીપજ્યા હતા. આ અકસ્માત સર્જાયો ત્યારે રાતનાં બે વાગ્યા હતા જેના કારણે રસ્તાઓ એકદમ શાંત હતા. આ અકસ્માતને કારણે ઇકોમાં બેઠેલા લોકોની બૂમાબૂમ અને ચિચયારીઓથી જાણે આખા વિસ્તાર જાગી ગયો હતો. તમામ ઇજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે લઇ ગઇ હતી. આ પરિવારમાં બે બાળકો પણ સામેલ હતા. આ અંગે એક ઇજાગ્રસ્તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નવસારીમાં અમે મજૂરીકામ માટે ગયા હતા.

ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં ૧૦ મોટા અને ૨ બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બેવાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. આ દરમિયાન તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જાેરદાર અવાજ આવ્યો અને કાર હવામાં ફંગોળાઈ હોય તેવું લાગ્યું. જે બાદ બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.