Western Times News

Gujarati News

ડ્રોન હુમલા બાદ અરામ્કોના બે પ્લાન્ટમાં ૫૭ લાખ બેરલ ક્રૂડ તેલનું ઉત્પાદન બંધ

હુમલા બાદથી ઉત્પાદનને માઠી અસરઃ પ્રતિદિવસે ૫૭ લાખ બેરલ ક્રૂડ તેલનું ઉત્પાદન બંધ રાખવા ફરજઃ રિપોર્ટ

રિયાદ, સાઉદી અરબની મુખ્ય સરકારી તેલ કંપની અરામ્કો ઉપર ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ તેલ ઉત્પાદનને રોકી દેવામાં આવ્યું છે. સાઉદીના ઉર્જામંત્રીએ કહ્યં છે કે અરામકો કંપનીના બે પ્લાન્ટમાં ઉત્પાદનનું કામ હાલ પુરતુ રોકી દેવામાં આવ્યું છે. યમનના બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કંપનીએ ઉત્પાદનને રોકવાની જાહેરાત કરી છે. આના કારણે કંપનીના ઓછામાં ઓછા અડધા ઉત્પાદનને માઠી અસર થઇ છે. ઉર્જામંત્રી શહજાદા અબ્દુલ અઝીઝે કહ્યું છે કે, અબ્કૈક અને ખુરૈસમાં અસ્થાયીરીતે ઉત્પાદનનું કામ રોકી દેવામાં આવ્યું છે. હુટી બળવાખોરો દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેના કારણે ઉત્પાદનને માઠી અસર થઇ છે. ૫૦ ટકા ઉત્પાદનને અસર થઇ છે.

બીજી બાજુ સરકારી તેલ કંપનીએ જાહેરાત કરી છે કે, આ હુમલાના કારણે પ્રતિદિવસે ૫૭ લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન બંધ રહેશે. અરામકોને દુનિયાની સૌથી મહાકાય અને અમીર ઓઇલ કંપની તરીકે ગણવામાં આવે છે. અરામ્કોના મુખ્ય કારોબારી અધિકારી અમીન નાસેરે કહ્યું છે કે, ઉત્પાદનને ફરી સ્થાપિત કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. આગામી બે દિવસમાં સંબંધિત માહિતી આવી જશે. બળવાખોરોના આ હુમલામાં કોઇને નુકસાન થયું નથી પરંતુ ઉત્પાદન ઉપર માઠી અસર થઇ છે.

બીજી બાજુ યમનમાં ઇરાન સમર્થક હુટીના બળવાખોરી ત્રાસવાદીઓએ સાઉદીમાં તેલ પ્લાન્ટો ઉપર ડ્રોન હુમલા કરવાની જવાબદારી સ્વીકારી લીધી છે. ગ્રુપે અલમસીરા ટીવી ઉપર આ અંગેની માહિતી આપી છે. બળવાખોરોએ ૧૦ ડ્રોન વિમાનો સાથે આ હુમલાની શરૂઆત કરી હતી અને સાઉદી અરબમાં અબ્કૈક અને ખુરૈસમાં રિફાઇનરીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. બીજી બાજુ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ આ હુમલા માટે ઇરાનને જવાબદાર ઠેરવીને પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, સાઉદી અરબ સતત ઇરાન પર હુટી બળવાખોરોને હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આક્ષેપ કરે છે.

બીજી બાજુ ઇરાન આ આક્ષેપોને રદિયો આપે છે. હવે સાઉદી અરેબિયા દ્વારા બે મોટા તેલ પ્લાન્ટ પર હુમલા બાદ ઉત્પાદનને બંધ કરવામાં આવ્યું છે ત્યારે તેના જંગી પ્રમાણમાં રહેલા ઓઇલ રિઝર્વનો ઉપયોગ કરશે. સાઉદી સરકારનું કહેવું છે કે, આ દિશામાં પહેલ થઇ રહી છે. દેશના જુદા જુદા ભાગોમાં રિયાદે પાંચ મહાકાય અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ સુવિધાઓ ઉભી કરી છે જેમાં જુદા જુદા રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટના પેટ્રોલિયમ જથ્થાને રાખી શકાય છે. આ અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ ૧૯૮૮થી લઇને ૨૦૦૯ના ગાળામાં અબજા ડોલરના ખર્ચ સાથે બનાવવામાં આવી હતી.બીજી બાજુ પ્રિન્સ અબ્દુલ અઝીઝે કહ્યું છે કે, બ્લાસ્ટના કારણે સપ્લાયને રોકી દેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.