Western Times News

Latest News from Gujarat

કલ્યાણ સિંહ અંતિમ ઈચ્છા અધૂરી રહી ગઈ

કલ્યાણ સિંહ રામ મંદિરના દર્શન કરવા માંગતા હતા -કલ્યાણ સિંહે જણાવ્યુ હતું કે, હું રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી જઈશ

લખનઉ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી પછી નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનઉની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

૧૯૯૨માં જ્યારે બાબરી મસ્જિદનો ઢાંચો તોડવામાં આવ્યો ત્યારે તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા અને રામ મંદિર નિર્માણ માટે જે નેતાઓ અવાજ ઉઠાવતા હતા તેમાંથી એક નામ કલ્યાણ સિંહનુ હતું. વર્ષ ૨૦૨૦માં જ્યારે રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો તો કલ્યાણ સિંહે ખુશી વ્યક્ત કરી હતી.

૮૮ વર્ષીય કલ્યાણ સિંહે જણાવ્યુ હતું કે, તેમની ઈચ્છા છે કે અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરમાં દર્શન કરીને પછી પોતાના પ્રાણ ત્યાગે. જાે કે તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. રામ મંદિર બાબતે કલ્યાણ સિંહે કહ્યુ હતું કે આ મંદિર તે લોકોને સમર્પિત છે જેમના સંઘર્ષને કારણે આંદોલન અહીં સુધી પહોંચી શક્યું છે.

ઉત્સાહમાં આવીને તેમણે જણાવ્યુ હતું કે, હું રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી જઈશ. ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહ ૧૯૯૧માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારપછી ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદના ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન કલ્યાણ સિંહે કહ્યુ હતું કે, ગમે તે થાય તે કારસેવકો પર ગોળીબારી કરવાનો આદેશ નહીં આપે. ૧૯૯૨ પછી કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. કલ્યાણ સિંહનો જન્મ તારીખ ૫ જાન્યુઆરી, ૧૯૩૨ના દિવસે ઉત્તરપ્રદેશના અલીગઢમાં થયો હતો.

તેઓ ૨ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ઘણી વખત અતરૌલી વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. સાથે જ ઉત્તરપ્રદેશમાં લોકસભા સાંસદ અને રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા. કલ્યાણ સિંહ વર્ષ ૧૯૯૧માં પહેલી વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી જ્યારે ૧૯૯૭માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.

કલ્યાણ સિંહને ઉત્તરપ્રદેશના પ્રમુખ રાજનૈતિક ચહેરા પૈકીના એક માનવામાં આવે છે કારણકે તેઓના પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બાબરી મસ્જિદની ઘટના બની હતી. કલ્યાણ સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers