Western Times News

Latest News from Gujarat

સમસ્ત મહાજનનાં નેતૃત્વમાં એનીમલ હેલ્પલાઇન, રાજકોટની ટીમ અયોધ્યા પહોંચી

કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત

મુંબઈ, પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે.

કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોક નાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે.

શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે થોડા મહિનાઓ પૂર્વે સમસ્ત મહાજનની ટીમ સાથે અયોધ્યાનાં સતાધીશોની સત્તાવાર મુલાકાત યોજાય ગઈ. આ મિટિંગમાં ખાસ મુંબઈથી ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સદસ્ય તેમજ સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહે અયોધ્યા નગર નિયામક (મેયર) ઋષિકેશ ઉપાધ્યાય,

અયોધ્યા વિકાસ પ્રાધિકરણ (જેના અધ્યક્ષ રાજ્યનાં મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથજી છે)નાં વાઇસ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વિશાલ સિંહ તેમજ અન્ય સત્તાધીશો સાથે અયોધ્યામાં આદર્શ ગૌશાળા – પાંજરાપોળનું નિર્માણ, નિર્વાહ, વિસ્તૃતિકરણ, આધુનિકીકરણ અને જીવદયા વિષયક વાર્તાલાપ કર્યો હતો.

મુંબઈથી ઉપસ્થિત સમસ્ત મહાજનની ટીમ દ્વારા આ તબક્કે સત્તાધીશોને ગૌશાળાનાં વિકાસ અંગેનું પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યું હતું. સમગ્ર દેશની હજારો જીવદયા સંસ્થાઓ, ગૌશાળાઓ, પાંજરાપોળોનાં માર્ગદર્શક અને વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારત સરકારનાં જીવજંતુ કલ્યાણ બોર્ડનાં સદસ્ય શ્રી ગિરીશભાઈ શાહે પોતાનો અનુભવ સિદ્ધ માર્ગદર્શન આપ્યું હતું

તેમજ અયોધ્યા ખાતે સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સ્વાવલંબી જીવદયા સંસ્થા , પાંજરાપોળ, ગૌશાળા કેવી રીતે બનાવી શકાય એ અંગે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતુ. આ ઉપરાંત સમસ્ત મહાજનની ટીમ અયોધ્યા ખાતે કાર્યરત ગૌશાળાની મુલાકાતે પણ ગઈ હતી અને ત્યાં પણ ખૂબ રચનાત્મક સૂચનો ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ મિટીંગમાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહની સાથે મિત્તલ ખેતાણી, અયોધ્યાનાં સ્થાનીય જીવદયા અગ્રણી પ્રવીણ દુબે, સૌરવ ઘોષ, પવનભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા. અયોધ્યામાં આવેલ કાન્હા ઉપવનમાં ગૌશાળામાં ૧૪૦૦ જેટલી ગૌમાતાઓ, ગૌ વંશ આવેલા છે.

પરંતુ હાલમાં જ આવેલ વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદનાં કારણે નિર્માણાધીન ગૌશાળામાં કીચડ, માટી, પાણીથી બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. જેથી ચોમાસામાં યુધ્ધના સ્તરે અનુભવી, સુયોજીત, પ્રશિક્ષીત તથા ગૌશાળાનાં પ્રબંધકો તથા કાર્યકરોની ખૂબ આવશ્યકતા હતી.

આ અંગે સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન, રાજકોટની ટીમ અયોધ્યા પહોચી, ગૌશાળાની ખરાબ પરીસ્થિતિ હોવા છતાં ગયા સપ્તાહમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર્સ અને પેરા મેડીકલ ડોક્ટર્સનો સ્ટાફ સતત ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત છે.

ગૌ વંશ રોગ નિદાન, સારવાર કેમ્પ અને ગૌશાળાની સ્થાનીય સુવિધાઓ સુધારવા અને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર આયોજન અંગે સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહનાં માર્ગદર્શનમાં મિત્તલ ખેતાણી, દેવેનું જૈન,પ્રતિક સંઘાણી, ડૉ. નિકુંજ પીપળીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers