Western Times News

Gujarati News

ગુજરાતઃ 2 સપ્ટે.થી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે

File Photo

અમદાવાદ, ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યા છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવામાં આવશે.

જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.