Western Times News

Gujarati News

૬૦ હજારનાં મુદ્દામાલ સાથે બે ચેઈન સ્નેચર ઝડપાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ચીલઝડપનાં બનાવો વધી જતાં પોલીસતંત્ર સક્રીય બન્યું છે. ત્યારે નારોલ પોલીસની ટીમે ચેઈન સ્નેચીંગ કરતાં ગુનેગારોને ઝડપી લેવા તપાસ આદરી હતી. એ દરમિયાન માહિતીને આધારે નારોલમાંથી જ બે શખ્સોને ૬૦ હજાર રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ અંગેની વિગત એવી છે કે, નારોલ પોલીસની ટીમ ચેઈન સ્નેચરોની તપાસમાં લાગી હતી. ત્યારે બે ચેઈન સ્નેચરો વટવાનાં બીબી તળાવ ચાર રસ્તાથી નારોલ સર્કલ તરફ જવાનાં હોવાની બાતમી મળી હતી. જેને આધારે વોચ ગોઠવીને જ્યુપીટર ગાડી રોકી ઝહીર ઉર્ફે જરીફ જાફરભાઈ સૈયદ (પીડબલ્યુડીનાં કાચા છાપરા, શાહઆલમ) તથા ફિરોજ ઊર્ફે ડાયમંડ ફારુકભાઈ રંગરેજ (અફઝલ બિલ્ડીંગ, ન્યુ ક્લોથ માર્કેટ સામે, સારંગપુર)ને ઝડપી લીધા હતા. તપાસ કરતાં તેમની પાસેથી સોનાનું માદળીયુ, ૩ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા ૨૫૦૦ સહિત ૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને સામે કાર્યવાહી શરૂ કરી છે તથા અન્ય ગુનાઓમાં તેમની સંડોવમીની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.