Western Times News

Gujarati News

ઘરમાં અચાનક ધડાકો થતાં પિતા-દીકરીના મોત

પ્રતિકાત્મક

મૃતક યુવક તળાવમાંથી શંકાસ્પદ વસ્તુ ઘરે લાવ્યો હતો પછી આ ધડાકો થયો હતો, ઘરના મોભીનું ઘટનાસ્થળે મોત

અરવલ્લી, શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામમાં શનિવારે ભેદી ધડાકો થયો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તોને શામળાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જે બાદ તેમની સ્થિતિ વધારે ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા હતા. જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. સારવાર દરમિયાન બાળકીનું પણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસની ટીમ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ તપાસમાં જાેડાઇ છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, મૃતક યુવક તળાવમાંથી શંકાસ્પદ વસ્તુ ઘરે લાવ્યો હતો પછી આ ધડાકો થયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામમાં ભેદી ધડાકો થયો હતો. જેમાં ૩૨ વર્ષનાં રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરમાં બ્લાસ્ટ થતાં રમેશભાઇનું મોત નીપજ્યું છે.

ઘરનાં મોભીનું મોત થતા તેમની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોનો આધાર છીનવાઇ ગયો છે. ઘરના અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે શામળાજી અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રમેશભાઇ સહિત આ ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા છે.

આ બ્લાસ્ટ અંગે તપાસ ચાલી રહી છે. આ ધડાકા પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જેથી વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવી સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બ્લાસ્ટનો અવાજ એટલો ભયાનક હતો કે, તે આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. મોટા પ્રમાણમાં લોકો ઘટનાસ્થળ પર જાેવા આવ્યા હતા કે, આટલો મોટો અવાજ ક્યાંથી આવ્યો. આ ધડાકા બાદ લોકો પોતપોતાની રીતે અનેક તર્કવિતર્ક કરી રહ્યા છે.

પરંતુ આ પાછળનું કારણ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લાના ડીવાયએસપી ભરતભાઈ બસિયાએ જણાવ્યું હતુ કે, વિસ્ફોટક સામગ્રી અંગે સ્પષ્ટતા થાય તે માટે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આલી છે. જિલ્લા પોલીસની તમામ ટીમો કામે લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.