Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ, આખો દિવસ બફારો રહ્યા બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મંગળવાર સાંજે ચાર વાગ્યાની આસપાસ શહેરના નવરંગપુરા, ઉસ્માનપુરા, વાડજ, પાલડી, વાસણા, પ્રહલાદનગર, યુનિવર્સિટી, બાપુનગર, કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.

હવામાન ખાતાએ ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે.

અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકાર વરસાદ ખાબક્યો છે. અંબાજીમાં અતિભારે વરસાદને કારણે ૧૫ મિનિટમાં બજારોમાં ફરી એકવાર નદીઓના વહેણ જાેવા મળ્યા હતા. તો બીજી તરફ અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક વાહનો અટવાયા છે.

અમદાવાદમાં થોડા દિવસોથી વરસાદી માહોલ જાેવાઈ રહ્યો છે, પરંતુ શહેરમાં બફારા અને અકળામણ વચ્ચે જાેઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો. તેવામાં ૧૧મી સપ્ટેમ્બર સુધી શહેરમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે. સમગ્ર રાજ્ય પર સોમવારથી જ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સોમવારના આંકડા અનુસાર, રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી કુલ ૫૦ ટકા વરસાદ જ પડ્યો છે.

ચોમાસુ સત્તાવાર રીતે પૂરું થવામાં પણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સપ્ટેમ્બરમાં વરસાદ તો સારો પડવાની શક્યતા છે, પરંતુ તેમ છતાંય આ સીઝનમાં વરસાદની ઘટ પૂરાય તેવી શક્યતા ઓછી છે. રાજ્યમાં ૯૦ ટકા વિસ્તારોમાં વાવણી પણ થઈ ચૂકી છે ત્યારે જાે વરસાદ ઓછો રહ્યો તો ખેડૂતોને મોટું નુક્સાન થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.