Western Times News

Gujarati News

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, ૨૨૬ તાલુકાઓ ભિંજાયા

ગાંધીનગર, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાઈ જતાં ૫૯ દરવાજા ૨ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેથી કાંઠા વિસ્તારના આસપાસ આસપાસના ગામોમાં પાણી ઘૂસવાની શક્યતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત ૧૭ ગામને એલર્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શેત્રુંજી ડેમમાં પાણીની ભારે આવક થતાં મોડીરાતે ૨૦ દરવાજા અને બાકીના સવારે તમામ ૩૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા ૧૭ ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામનો સમાવેશ થાય છે.

શેત્રુંજી ડેમમાં હાલ ૧૫૩૪૦ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ભાવનગરના મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખુટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડાઓમા મેઘમહેર યથાવત છે. ધોધમાર વરસાદના પગલે મહુવાની માલણ નદીમાં ઘોડાપુર આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે તથા રાત્રે અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, આ પછી સાદ રહ્યો હતો. આજે પણ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં હજુ પણ ૪ દિવસ સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ગુજરાતમાં હાલ લોકોમાં હરખની હેલી ફેલાઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૧૦ ઇંચ વરસ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના માણાવદરમાં ૬.૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માંગરોળમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં ૬.૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પણ ૬.૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાજકોટના ગોંડલમાં પોણા ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના ૧૭ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૩૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૫૪ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૦૧ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં આજે ૬ઃ૦૦ થી ૮ઃ૦૦ સુધીમાં ૩૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદથી અનેક ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. અરવલ્લીના મોડાસાથી મદાપૂરકંપાના રોડ પર વરસાદી પાણી ભરાયા છે. મોડાસા પાલિકાના ડમ્પિંગ યાર્ડ પાસે ગરનાળું બંધ કરી દેવાતા મુસાફરોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.

રાત્રિ દરમિયાન અઢી ફૂટ પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. વરસાદી પાણી કલાકો બાદ ઓસરતાં માર્ગ શરુ કરાયો હતો. જિલ્લા કોર્ટની બાજુમાં જ પાણીના ભરાવાથી હાલાકી થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.