કાલુપુર ચોખાબજારથી રાયપુરના માર્ગ પર પીકઅવર્સ દરમિયાન ચક્કાજામની સમસ્યા
શટલ રીક્ષા ચાલકો દ્વારા આડેધડ પાર્કીંગઃ ગાંધીનગર ઉચ્ચસ્તરે રજુઆત કરવા સ્થાનિક વેપારીઓની વિચારણા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સવાર- સાંજ “પીક અવર્સ” દરમિયાન ટ્રાફીકજામની સમસ્યાને લઈને સામાન્ય નાગરિક તો ત્રસ્ત છે પરંતુ વહેપારી આલમમાં પણ તેના પડઘા પડયા છે અને આગામી દિવસોમાં આ અંગે છેક ગાંધીનગર સુધી રજુઆત માટે વિચારણા ચાલી રહ છે
સામાન્ય પ્રજા હોય કે વહેપારી દરેકને ટ્રાફિક અડચણો નડી રહી છે. તેમાંય અમુક સ્થળોએ તો શટલ રીક્ષાવાળાઓએ રીતસરનો ત્રાસ ફેલાવી દીધો હોવાની બૂમ ઉઠી રહી છે. જીવનનિર્વાહ ચલાવવા માટે દરેકને કામ કરવાનો અધિકાર છે પરંતુ તેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવી ન જાેઈએ તેમ વહેપારીઓનું કહેવું છે. કાલુપુર ચોખાબજારથી રાયપુર સુધીના માર્ગે અમદાવાદના મેગા બિઝનેસ સેન્ટર આવેલા છે અનેક દુકાનો- મોટા મોટા સ્ટોર્સ, રીટેલ, હોલસેલ વહેપારીઓની કામગીરીથી ધમધમતુ કેન્દ્ર છે. પરંતુ અહીંયા શટલરીક્ષાઓવાળા આડેધડ પાર્કિંગ કરે છે.
કાલુપુર ચોખાબજારથી છેક રાયપુર સુધીનો માર્ગ વહેપારથી ધમધમે છે. પરંતુ અહીંયા ટ્રાફિકની સમસ્યાને લીધે કામના કલાકો વેડફાઈ જાય છે વહેપારીઓના માલ સામાનની આવન-જાવન થતી હોવાની સાથે તમામ પ્રકારના આર્થિક વ્યવહારોથી લઈને કામગીરી થતી રહે છે. વહેપારીઓ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને તેમના કામના કલાકો વેડફાય છે અડધો કલાકથી લઈને કલાક સુધી ટ્રાફિકજામ થઈ જાય છે
જે રસ્તો માત્ર ૧૦ મીનીટમાં આસાનીથી કપાઈ જાય તેમ હોય છે તેમાં અડધો- પોણો કલાક નીકળી જતા વહેપારીઓને જબરજસ્ત આર્થિક નુકસાન થાય છે તો શટલ રીક્ષાઓવાળા સામે કાયદેસર કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરે તો તેનો વિરોધ કરાય છે. જયારે વહેપારીના માલ-સામાનનો ટેમ્પો માલ ઉતરે ત્યાં સુધી પણ ઉભો રહેવા દેતા નથી અને દંડ વસુલાય છે. પરિણામે સ્થાનિક વહેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
વહેપારીઓનું કહેવું છે કે શટલ રીક્ષાવાળા ધંધો કરે તેનો કોઈ વાંધો નથી પણ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરીને ચક્કાજામ કરી દે છે પરિણામે વેપાર-ધંધાને અસર થાય છે. આગામી દિવસોમાં વહેપારી આગેવાનો ગાંધીનગર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું વિચારી રહયા હોવાનું જાણવા મળેલ છે.