નિવૃત્ત DSPના પુત્રએ અભિનેતા બનવા માટે અમદાવાદ છોડી દાઉદ સાથે બાથ ભીડી હતી, હવે તેના પર ફિલ્મ બનશે
નિવૃત્ત ડીએસપીના પુત્ર વિક્કી ગોસ્વામીએ અભિનેતા બનવા માટે અમદાવાદનું ઘર છોડી દીધું અને મુંબઈ પહોંચીને ડ્રગ્સ માફિયા બની ગયો-દાઉદને હંફાવનાર ડ્રગ્સ માફિયા વિક્કી (વિજયગીરી) ગોસ્વામી પર ફિલ્મ બનશે
મોમ્બાસામાં વિકી તેની પત્ની અને બોલીવૂડની અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે રહેતો હતો, -વિક્કી હાલ અમેરિકાની હ્યુસ્ટન જેલમાં ડ્રગ્સની તસ્કરીના મામલે બંધ છે.
અમદાવાદ, અમદાવાદમાં ૯૦ના દાયકામાં અંધેરી આલમ પર રાજ કરનાર અબ્દુલ લતીફ અને ડ્રગ્સના કારોબારમાં પોતાની સલ્તનત બનાવનાર પાલડીના વિક્કી ગોસ્વામીથી ઈન્ડિયા મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ પણ થરથર કાંપતો હતો.
બોલીવૂડે અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન, દાઉદ ઈબ્રાહીમ, હસીના પારકર તેમજ અમદાવાદના લતીફના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મો બનાવી છે ત્યારે હવે મુંબઈના બે મોટા નિર્માતા ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી ઉપર પણ ફિલ્મ બનાવવા માટે જઈ રહ્યા છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અને વિક્કી ગોસ્વામીના ભાઈ દિનેશ ગોસ્વામી ઉપર થોડા દિવસ પહેલાં બોલીવૂડના નિર્માતાનો ફોન આવ્યો હતો. જેમણે એક રિટાયર્ડ ડીએસપીનો દીકરો હોવાથી લઈને વિક્કી ગોસ્વામી ઈન્ટરનેશનલ ડ્ગ્સ સ્મ્ગલર કેવી રીતે બન્યો તેના પર ફિલ્મ બનાવવાની વાત કરી હતી. વિક્કી હાલ અમેરિકાની હ્યુસ્ટન જેલમાં ડ્રગ્સની તસ્કરીના મામલે બંધ છે.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રહેતા નિવૃત્ત ડીએસપી આનંદગીરી ગોસ્વામીને વિજયગીરી ઉર્ફે વિક્કી ગોસ્વામી સહિત ૧૬ ભાઈ-બહેન હતાં અને ૧૯૬૧માં અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેવા માટે આવી ગયા હતા. વિક્કી ગોસ્વામીએ નાના પાયે દારૂનો ધંધો શરૂ કર્યાે હતો અને જાેતજાેતામાં તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા બની ગયો હતો.
છોટા રાજન સાથે હાથ મિલાવ્યા બાદ વિક્કી દક્ષિણ આફ્રિકા જતો રહ્યો હતો, જ્યાં તેને ડી-કંપનીના ડ્રગ્સ કાર્ટલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો, જાેકે ડી-ગેંગના કેટલાંક સદસ્યથી વિક્કીની પ્રગતિ જાેઈ નહીં શકાતાં ષડયંત્ર રચ્યું હતું.
૮૦ના દાયકામાં વિક્કી ગોસ્વામી ઘર છોડીને મુંબઈ અભિનેતા બનવા માટે ભાગી ગયો હતો, જ્યાં તેણે એક ફિલ્મમાં નાની-મોટી ભૂમિકા પણ ભજવી હતી, જાેકે તે અભિનેતા તરીકે સફળ ન થતાં કેટલાંક અંડરવર્લ્ડ ડોનના સંપર્કમાં આવ્યો હતો, જ્યાં તે અંધેરી આલમની દુનિયામાં જતો રહ્યો હતો.
દિનેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દુબઈની એક હોટલમાં જ્યારે ડી-ગેંગના દાઉદ ઈબ્રાહીમ, છોટા શકીલ, અબુ સાલેમ સહિતના લોકો હાજર હતા ત્યારે વિક્કી ગોસ્વામી તેની ગેંગ સાથે હાજર હતો અને સાથોસાથ છોટા રાજન પણ હાજર હતો. કોઈ કારણોસર અબુ સાલેમની હરકતો પર વિક્કી ગોસ્વામીએ તેને લાફો ઝીંકી દીધો હતો, જેના કારણે ડી-ગેંગ સાથે ફાટફૂટ પડી હતી.
વિક્કી ગોસ્વામી ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગમાં કામ કરતો હતો, જાેકે ૧૯૯૩માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે વિક્કી ગોસ્વામી તેનાથી અલગ થઇ ગયો હતો. કહેવામાં આવે છે કે બોમ્બ બ્લાસ્ટ બાદ દાઉદ ઈબ્રાહીમથી અગ થનાર પહેલો હિદુ ડોન વિક્કી ગોસ્વામી હતો.
વર્ષ ૨૦૧૪માં જ્યારે મોમ્બાસામાં વિક્કીની ધરપકડ થઇ ત્યાં સુધી તે ખુફિયા એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓના રડારથી દૂર હતો. મોમ્બાસામાં વિકી તેની પત્ની અને બોલીવૂડની અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે રહેતો હતો, જ્યાં અમેરિકાની ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં તેનો પર્દાફાશ થયો હતો.
દિનેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે તે દર એકાદ-બે દિવસે વિક્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યો છે. વિક્કી દુબઈની જેલમાં બંધ હતો ત્યારે ઈસ્લામ કબૂલ કરવાના મામલે મમતા કુલકર્ણી સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા હતી, જાેકે તે તમામ હકીકતો પાયાવિહોણી હોવાનું સામે આવ્યું છે. વિક્કી ગોસ્વામીની દુબઈ, કાહિરા અને જાેહાનિસબર્ગમાં અનેક હોટલ છે અને પોતાનાં પ્રાઈવેટ જેટ પણ છે.