Western Times News

Latest News from Gujarat India

સમય બતાવશે કોનું અસ્તિત્વ છે અને કોનું નહીં: પ્રિયંકા

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી અભિયાનનું રણશિંગુ ફૂંકી ચુક્યા છે. ઉત્તર પ્રદેશની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાર્યકરોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે નેતાઓ, કાર્યકરો સાથે ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેઓ જિલ્લાવાર સમીક્ષા બેઠકો પણ યોજવાના છે.

રાયબરેલી ખાતે કાર્યકરો સાથેની બેઠક બાદ પ્રિયંકા ગાંધી રવિવારે મોડી સાંજે અમેઠી પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી સતત ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. તેઓ ચૂંટણીની તૈયારીઓ પર ફોકસ કરી રહ્યા છે અને પાર્ટીના કાર્યકરો સાથે સતત બેઠકો કરવામાં આવી રહી છે.

ભાજપ સતત કોંગ્રેસ પર હુમલો કરી રહ્યું છે તે અંગે પુછવામાં આવેલા સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે, એ તો સમય જ બતાવશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું નહીં. જાેકે, પ્રિયંકા ગાંધી અનેક સવાલોનો જવાબ આપવાથી દૂર પણ રહ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને અનુલક્ષીને અબ્બા જાનવાળું નિવેદન આપ્યું હતું તે મુદ્દે પ્રિયંકા ગાંધીએ કશું પણ બોલવાનું ટાળ્યું હતું.

આના પહેલા ૨ દિવસ સુધી લખનૌમાં મેરેથોન બેઠકો કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીની સરહદમાં પ્રવેશવાની સાથે જ ચુરૂવા સ્થિત હનુમાન મંદિરમાં દર્શન-પૂજા કર્યા હતા. હનુમાન મંદિરમાં દર્શન-પૂજન સાથે પ્રિયંકા ગાંધીએ રાયબરેલી પ્રવાસની શરૂઆત કરી હતી. તેમના સ્વાગત માટે કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીના માતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers