Western Times News

Gujarati News

વ્યક્તિના ખાતામાં ભૂલથી ૫.૫ લાખ રૂપિયા આવી ગયા

નવી દિલ્હી, માણસ માત્ર ભૂલને પાત્ર આ કહેવત તો તમે સાંભળી જ હશે. પણ બેંક કર્મીઓ દ્વારા કરવામાં આવેલી એક ભૂલ આજે તેમના માટે ભારે પડી ગઈ છે. થયું એવું કે, એક વ્યક્તિના ખાતામાં બેંકની ભૂલને કારણે ૫.૫ લાખ રૂપિયા આવી ગયા.

હવે જ્યારે બેંક દ્વારા આ વ્યક્તિને પૈસા અંગે પૂછતાછ કરવામાં આવી તો, તેણે કહ્યું કે, આ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ ૧૫ લાખના વાયદાનો પહેલો હપ્તો છે. અને મેં મારા તમામ પૈસા ખર્ચ કરી દીધા છે.

હવે આ કિસ્સો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, બિહારના ખગડિયા જિલ્લામાં આવેલ બખ્તિયારપુર ગામમાં રંજિત દાસ નામના એક વ્યક્તિ રહે છે. ખગડિયાની એક ગ્રામીણ બેંક દ્વારા ભૂલથી ૫.૫ લાખ રૂપિયા રંજિત દાસના એકાઉન્ટમાં જતાં રહ્યા હતા. બેંકના ખાતામાંથી ૫.૫ લાખ રૂપિયા ઓછાં થતાં બેંક દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જે બાદ માલૂમ પડ્યું કે, આ પૈસા રંજિત દાસના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે.

આ મામલે બેંક દ્વારા રજિંત દાસને નોટિસ પાઠવીને પૈસા પરત આપવા માગ કરી હતી. પણ રજિંત દાસે તો બેંકના પૈસા પરત આપવા ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે, પૈસા મારા ખાતામાં આવતાં જ હું ખુબ જ ખુશ થઈ ગયો હતો. મને લાગ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકનાં બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. અને આ પૈસા તેનો પહેલો હપ્તો હોઈ શકે છે તેમ માનીને મેં તમામ પૈસા વાપરી દીધા છે. હવે મારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી.

રંજિત દાસે પૈસા પરત કરવાની ના પાડતાં બેંક કર્મચારીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. અને આખરે તેઓએ રંજિત દાસ સામે ખગડિયા જિલ્લાના માનસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે રંજિત દાસની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જાે કે, બિહારનો આ કિસ્સો તેજીથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અને જે લોકોએ પણ આ કિસ્સાને જાણ્યો તે હસી-હસીને લોથપોથ થઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.