Western Times News

Gujarati News

‘રસીકરણ મેગા ડ્રાઇવ’ અંતર્ગત અમદાવાદના રસીકરણ બુથની મુલાકાત લેતા મુખ્ય સચિવ

સમગ્ર રાજ્યમાં રસીકરણની ઝુંબેશ દરમ્યાન મહત્તમ લોકોને આવરી લેવાશે – મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર

કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્ય અગ્રીમ હરોળમાં રહ્યું છે ત્યારે  મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી રાજ્યને કોરોનામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આજે તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ છે.

આ ઝુંબેશ હેઠળ હાથ ધરાયેલી કામગીરીની સ્થળ સમીક્ષાના હેતુ સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાના રસીકરણ બુથની મુલાકાત લીધી હતી.

અમદાવાદ શહેરના પાલડી  વિસ્તારમાં પાલડી હેલ્થ સેન્ટરની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવશ્રીએ રસીકરણ માટેની વ્યવસ્થા તથા અન્ય બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર દિવસ દરમ્યાન રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ કરાયો છે.

૧૦૦ ટકા રસીકરણના લક્ષ્યાંક  સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે લાભાર્થીઓને રસીકરણથી આવરી લેવાશે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મુકેશકુમાર, મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રીતે  જિલ્લાના સનાથલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થળ મુલાકાત લઈ મુખ્ય સચિવશ્રીએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે,  જિલ્લામાં પણ તમામ લોકોને રસીકરણથી આવરી લેવાય તે પ્રકારની કામગીરી જરૂરી છે.

સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ મુખ્ય સચિવશ્રીએ અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝ અંતર્ગત પુર્ણ કરાયેલા ૯૫ % લક્ષ્યાંકને બિરદાવી બીજા તબક્કાની પરિણામલક્ષી કામગીરી બાબતે વહીવટી તંત્રને દિશા નિર્દેશ આપ્યા હતા.

આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.