Western Times News

Gujarati News

રાજ્યના ૭૧ ડેમ ૯૦ ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટનું સિગ્નલ

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ થયો છે.એક સમયે રાજ્યમાં વરસાદ અટકી પડતાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબજ ઓછો હતો.

હવે વરસાદ સારા પ્રમાણમાં થતાં રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે.

જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા તદુપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.