Western Times News

Gujarati News

ભસતાં કૂતરાને ઝેર આપી દેતાં ૨૦ શ્વાનના મોત થયા

Files Photo

કટક, ઓડિશાના કટક જિલ્લામાં કથિત રીતે ઓછામાં ઓછા ૨૦ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ૨૪ વર્ષીય આ વ્યક્તિ મીઠાઈની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાત્રે કૂતરાઓના ભસવાથી અને તેની દુકાનની સામે કૂતરાઓના ભેગા થવાના કારણે પરેશાન રહેતો હતો. જેથી તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ઝેરી પદાર્થ ખવડાવી દીધા.

ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક લોકોએ એક ખાડામાં ઓછામાં ઓછા ૧૦ મરેલા કૂતરા જાેયા. કટક શહેરથી ૧૩ કિલોમીટર દૂર તંગી-ચૌદગરના શંકરપુર ગામના બજારમાં પણ મરેલા કૂતરા મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ સ્વીકારી લીધું છે કે તે રાત્રે કૂતરાઓના ભસવાના કારણે પરેશાન રહેતો હતો અને તેથી તેણે કૂતરાઓને ઝેર મેળવેલું ખાવાનું ખવડાવી દીધું હતું.

પોલીસે જણાવ્યું કે, આરોપી પર ઈન્ડિયન પિનલ કોડ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત મરેલા કૂતરાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં અનેક રસ્તે રખડતા કૂતરા છે. લોકોના જણાવ્યા મુજબ, રસ્તે રખડતા કૂતરા અનેકવાદ દુકાનદારના ઘરમાં ઘૂસી જતા હતા અને બહાર મીઠાઈ બનાવવાના ચુલા પર બેસી જતા હતા.

જેથી આ શખ્સે રસ્તે રખડતા કૂતરાઓથી છુટકારો મેળવવાની યોજના બનાવી હતી. આરોપીએ કથિત રીતે ગુલગુલા (એક ખાદ્ય પદાર્થ)માં ‘દાનદાર’ નામનું ઝેર મેળવીને કૂતરાઓને ખાવા માટે આપ્યું. ઝેરી ગુલગુલા ખાધા બાદ કૂતરાઓએ ઉલ્ટી કરી દીધી.

ત્યારબાદ અનેક કૂતરાઓના મોત થઈ ગયા. થોડા દિવસો પહેલા કર્ણાટકમાં પણ કૂતરાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકના શિવમોગામાં ક્રૂરતાની તમામ હદો પાર કરીને ૧૦૦થી વધુ રસ્તે રખડતા કૂતરાઓનેને ઝેર આપવાનો મામલો સામે આવ્યો હતો. આ કૂતરાઓને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.