Western Times News

Gujarati News

ખેતરમાં પાણી બાબતે ઝઘડો થતા બે સગા ભાઈએ ત્રીજા ભાઈની ઘરમાં ઘૂસી હત્યા કરી

Youth suicide in bus

Files Photo

સુરેન્દ્રનગર, ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે કે જેના પરથી એવું લાગે છે કે, લોહીના સંબંધ પણ હવે પારકા થઇ ગયા છે. ઘર અને સંપત્તિ લાલચમાં સગા ભાઈઓ એ જ ભાઈની હત્યા કરી નાખી હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે.

ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં પાણી મુદ્દે ત્રણ સગા ભાઈઓને અવાર નવાર ઝઘડાઓ થતા હતા. તેથી બે ભાઇઓએ સંપ કરીને એક ભાઈની ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. આ ઘટના હળવદના દિધડીયા ગામની છે.

રિપોર્ટ અનુસાર હળવદના દિધડીયા ગામની સીમમાં મુકેશ સારલા નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતા હતો. મુકેશને તેના ભાઈ રઘા અને મુન્ના ખેતરમાં સિંચાઈ માટેના પાણી બાબતે અવાર-નવાર ઝઘડો થતો હતો.

આ બાબતનો ખાર રાખીને રઘા અને મુન્નાએ મુકેશની હત્યા કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરના રોજ મુકેશ જ્યારે તેની પત્ની સાથે ઘરમાં હતો ત્યારે આ બન્ને ભાઈઓ મુકેશના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ તેમને સિંચાઈના પાણી બાબતે મુકેશ સાથે બોલાચાલી કરી હતી.

આ ઝઘડામાં રોષે ભરાઇને બંને ભાઈઓએ મુકેશને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ આ બંને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મુકેશની પત્નીએ સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. આ ત્રણ ભાઈઓ વચ્ચે ૧૫ વીઘા જમીન હતી. ત્રણ ભાઈઓના ભાગમાં પાંચ-પાંચ વીઘા જમીન આવી હતી.

જમીનના ત્રણ ભાગ પડ્યા હતા પણ ત્રણેય ભાઈઓ વચ્ચે એક જ વીજ જાેડાણ હતું, તેથી હોવાથી સિંચાઈ બાબતે ત્રણેય ભાઈઓ અવાર-નવાર લડતા હતા. આ લડાઈમાં એક ભાઈએ જીવ ગુમાવ્યો. મુકેશને સંતાનમાં ૧૨ વર્ષનો દીકરો હર્ષ છે. આ ઘટનામાં હર્ષને પણ ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હત્યાની ઘટનાને લઇને પોલીસ દ્વારા રઘા અને મુન્ના સામે હત્યાનો ગુનો નોંધીને મુન્નાની ધરપકડ કરવામાં આવી છે અને રઘો પોલીસની પકડથી દૂર છે. આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે, ભાઈ-ભાઈના પ્રેમ કરતા મિલકત અને પૈસા પ્રત્યે લોકોના મનમાં વધારે માન છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. કેટલીક ઘટનાઓમાં દીકરાએ પિતા પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.