Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાત અને કચ્છના ૩૦ તાલુકામાં ભૂગર્ભજળ ખાલી

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં સૌથી વધુ ભૂગર્ભ જળનું દોહન થતું હોય તો તેવા તાલુકાની સંખ્યા કચ્છ અને ઉત્તર ગુજરાતની છે. સરકારના સત્તાવાર રિપોર્ટ પ્રમાણે કુલ પાંચ જિલ્લાના ૩૦ તાલુકા એવાં છે કે જ્યાં બોરવેલની મંજૂરી આપતાં પહેલાં સરકારને કેટલાક નિયંત્રણો મૂકવા પડયાં છે.

જ્યાં ભૂગર્ભ જળ ખલાસ છે અને સૌથી વધુ ગંભીર સ્થિતિ છે તેવા તાલુકા પૈકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બન્ને રાજકીય વિસ્તારો કડી અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભામાં સોજીત્રાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં જળસંપત્તિ વિભાગે આંકડા આપતાં જણાવ્યું હતું કે ભૂગર્ભ જળની સૌથી ખરાબ અસર મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં છે. આ જિલ્લામાં ખેડૂતો ઉપરાંત લોકો ભૂગર્ભ જળને વધુ પ્રમાણમાં ખેંચી રહ્યાં છે તેથી સરકારે કેટલાક નિયંત્રણો મૂક્યાં છે.

જળસંપત્તિ વિભાગે જણાવ્યું હતું કે ક્રિટીકલ બનેલા આ તાલુકાઓમાં જળસંપત્તિ વિકાસ નિગમ દ્વારા સૂક્ષ્મ સિંચાઇના કામો હાથ ધરવામાં આવ્યા છે જેથી ભૂગર્ભ જળનો વપરાશ ઘટી શકે. એ ઉપરાંત અલગ અલગ પ્રકારની રિચાર્જની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોરવેલની મંજૂરી પણ સૂક્ષ્મ સિંચાઇ અપનાવી હોય તેવા ખેડૂતોને આપવામાં આવે છે.

ઓવર એક્સપ્લોઇટેડ તાલુકા — ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ, વડગામ, દહેગામ, ગાંધીનગર, કલોલ, માણસા, ભચાઉ, માંડવી, બેચરાજી, જાેટાણા, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઉંઝા, વિજાપુર, વિસનગર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર.,ડાર્ક તાલુકા (ક્રિટીકલ) — પાલનપુર, અંજાર, ભૂજ, વડનગર અને સરસ્વતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.