Western Times News

Gujarati News

ICUમાં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!!

29 સપ્ટેમ્બર :“વિશ્વ હ્યદય દિવસ”- દસક્રોઇના યોગેશભાઇને ૨૬ ની વયે “હાર્ટ અટેક” આવ્યો : ૩૦ થી નાની વયજૂથમાં અટેક આવવાનો જૂજ કિસ્સો

યુ.એન.મહેતામાં ગોલ્ડન અવર (અટેકના એક કલાકમાં) મળેલી સારવારના કારણે મોટી હાનિથી બચી શક્યા

છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦ થી ઓછી વયજૂથના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦ ટકા વધ્યું છે : ડૉ. જયલ શાહ (યુ.એન.મહેતા હોસ્પિટલ)

આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી ત્યારે ખબર પડી એ તો “હાર્ટ અટેક” હતો….હું મારા મિત્રો સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન અચાનક એકાએક મારા છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. હ્દય પર દબાણ વધતું હોય તેવો અનુભવ થઇ રહ્યો હતો. સામાન્ય દુખાવા કરતા આ દુખાવો કંઇક અલગ હોય તેવી અનુભૂતિ થઇ રહી હતી.

શરીરમાં શું થઇ રહ્યું છે તેનું અનુમાન લગાવવું મારા માટે મુશકેલ હતું. જેથી હું વધું ધબરાયો. મારા મિત્રો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાં E.C.G.(Electro Cardiogram) કરાવવામાં આવ્યો. જેમાં પરિણામ ગંભીર દેખાતા તબીબોએ સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં જવા કહ્યું…

એમબ્યુન્સમાં બેસીને યુ.એન. મહેતા પહોંચ્યા બાદ પ્રાયમરી તપાસ કરવામાં આવી. બસ આટલું જ મને યાદ છે તેવું અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના 26 વર્ષના યોગેશભાઇ પંચાલ જણાવે છે.

એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સુવિધા ઉપલબ્ધ હોય તેવી કેથલેબમાં તેમને લઇ જવામાં આવ્યા. હ્યદયની તકલીફ થયા બાદ “ગોલ્ડન અવર્સ (અટેકના એક કલાકમાં) ” માં યુ.એન. મહેતા પહોંચી જવાથી ડૉ. જયલ શાહ અને તેમની ટીમ દ્વારા યોગેશની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.જેમાં હ્યદયની ડાબી બાજુની આર્ટરી (Left anterior Decending-LAD) માં થયેલા 100 ટકા બ્લોકેજને દૂર કરી તેને નિયંત્રિત કરવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું.

સર્જરી બાદ સંપૂર્ણપણે સાજા થઇ ગયેલા યોગેશભાઇ પોતાના પ્રતિભાવમાં કહે છે કે, છાતીમાં અસહ્ય દુ:ખાવો થતા હું ગભરાઇ ગયો હતો. મારા મિત્રો જ્યારે યુ.એન. મહેતા લઇ આવ્યા ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં આવ્યો.

સમગ્ર સારવાર થઇ ગઇ, સ્ટેન્ટ મૂકાઇ ગયુ. ત્યારબાદ આઇ.સી.યુ માં જ્યારે ભાન આવ્યું ત્યારે મને ખબર પડી કે મને હાર્ટ અટેક આવ્યો હતો.!!

યુ.એન.મહેતાના તબીબોએ મને નવજીવન આપ્યું છે. અહીં PM-JAY યોજના અંતર્ગત મારી સમગ્ર સારવાર નિ:શુલ્ક થઇ છે. સમયસર મળેલી સારવારના કારણે મોટું જોખમ ટળ્યું. નાની વયે આવેલા હાર્ટ એટેકથી હું ઘણો ગભરાઈ ગયો હતો. પરંતુ આ હાર્ટ સર્જરીના કારણે હું હવે મારા સ્વાસ્થય પ્રત્યે વધુ જાગૃત થયો છું. હવે દરરોજ 2 કિ.મી. ચાલવા જાઉ છું. જેના કારણે આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યો છું.

યોગેશભાઇની સર્જરી કરનારા યુ.એન. મહેતાના કાર્ડિયોલોજી પ્રોફેસર ડૉ.જયલ શાહ જણાવે છે કે, 26 ની વયે હાર્ટ એટેક આવે એવું બહુ જૂજ કિસ્સામાં બને. દર્દીને છેલ્લા ઘણા વર્ષોથી વ્યસન હતુ. તેથી તેમને નાની વયે હાર્ટ અટેક આવ્યો હોવાનું અમારૂ અનુમાન છે.

સર્જરી બાદ આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.અને અગાઉની જેમ જ પૂર્વવત જીવન વ્યતિત કરી રહ્યા છે.
ડૉ.જયલ શાહ ઉમેરે છે કે, એક અભ્યાસ પ્રમાણે 90 ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા 10 વર્ષમાં 40 થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. અગાઉ 50 થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ 30 થી 40 ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડૉ.જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા,ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ,અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

આજે 29 મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.