Western Times News

Gujarati News

સ્વાતંત્ર્ય ચળવળનો ઝળહળતો સિતારો -સૈયદ અતાઉલ્લા શાહ બુખારી

ભારત દેશની આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. સ્વાતંત્ર્ય ચળવળમાં જુદા જુદા સ્તરે ભાગ લઈને તેને વેગ આપનારા અને દેશને આઝાદી અપાવનારા અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સૈનિકો થઈ ગયા. આ પ્રક્રિયામાં નાત જાત કે ધર્મના ભેદ વગર અસંખ્ય લોકોએ ભાગ લીધો અને પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદાન આપ્યું.

આવા જ એક સ્વાતંત્ર ચળવળના ઝળહળતા સિતારા હતાં સૈયદ અતાઉલ્લા શાહ બુખારી. આ અઠવાડિયામાં તેમની ૧૨૯મી જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે.

સૈયદ અતાઉલ્લા શાહ બુખારીનો જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૮૯૨ના રોજ બિહારના પટનામાં થયો હતો. તેઓ માત્ર આઝાદીના લડવૈયા જ ન હતા, તેમણે ભારતના ભાગલાનો પણ વિરોધ કર્યો હતો. તેઓ એક પ્રખર વક્તા હતા. આઝાદીની ચળવળમાં તેમના ઓજસ્વી ભાષણોથી તેમણે જનચેતનાને ઝંકૃત કરી હતી. માત્ર ૨૨ વર્ષની વયે તેઓ પટનાથી અમૃતસર ગયા અને શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી.

પ્રારંભથી જ તેઓ બ્રિટિશરોની વિરુદ્ધ વાતાવરણ ખડું કરતા રહ્યા. ખિલાફત ચળવળ દ્વારા તેઓ ૧૯૨૧માં રાષ્ટ્રની આઝાદીની લડાઈ સાથે જોડાયા. તેમણે બ્રિટિશરોને આપખુદશાહી સત્તાધીશો ગણાવ્યા જેનાથી અંગ્રેજોના ભવાં ખેંચાયા હતાં. તેમણે મહાત્મા ગાંધીની સાથે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો અને અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં જનજાગૃતિ લાવવાનું કામ કર્યું.

તેમણે હિન્દુ મુસ્લિમ એકતાને બળ મળે તેવા પ્રયાસો કર્યા અને આ માટે “મજલીસે- અહરારે- ઇસ્લામ” ની સ્થાપના કરી. ૧૯૨૯માં પંજાબમાં સ્થપાયેલી આ સંસ્થાએ મુસ્લિમોના આધ્યાત્મિક અને સામાજિક વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું. તેઓ તેમના સાથીઓ સાથે સવિનય કાનૂનભંગની ચળવળમાં પણ જોડાયા હતા.

મહમ્મદ અલી ઝીણાએ હાથ ધરેલી ભાગલાવાદી રાજકારણની પ્રવૃત્તિનો તેમણે જબરદસ્ત વિરોધ કર્યો. પોતાના અધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરણાદાયી પ્રવચન થકી ભારતમાં મુસ્લિમ લીગની ભાગલાવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો. તેમણે રાષ્ટ્રવાદી રાજકીય ચળવળ “મજલીસે અહરાર” નો પણ પ્રારંભ કર્યો. ૧૯૪૩માં મજલીસે એક ઠરાવ પસાર કરીને દેશના ભાગલાનો વિરોધ કર્યો અને ઝીણાને વિશ્વાસઘાતી ગણાવ્યા હતા.

સૈયદ અતાઉલ્લા માત્ર એક ચળવળકાર જ નહીં પરંતુ એક ઉત્તમ કવિ પણ હતા. તેમના પર્શિયન કાવ્યોના સંગ્રહ “સવાતી- ઉલ- ઇલ્હમ” નું ૧૯૫૬માં તેમનાં પુત્ર સૈયદ અબુઝાર બુખારીએ સંપાદિત કરી પ્રકાશન કર્યું. સૈયદ બુખારી આઝાદી બાદ પોતાના વતન પરત ફર્યા અને સક્રિય રાજકારણથી અલિપ્ત થઈ ગયા.

તેમણે બાદમાં પોતાનું ધ્યાન સામાજિક સુધારા પર આપ્યું. તેઓ મહિલા સશક્તિકરણ અને લોકોના આધ્યાત્મિક, સામાજિક વિકાસ માટે કાર્યરત રહ્યા.૨૧ ઓગસ્ટ ૧૯૬૧ના રોજ આઝાદીની લડાઈનો આ ઝળહળતો સિતારો અસ્ત થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.