Western Times News

Latest News from Gujarat

બ્રહ્મલીન સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતીજીને સોડષી પૂજા સમારોહ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

દેશભરના સંતો- મહંતો એ વિશેષ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા

સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ – પ્રાણાયામ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી છે.- રાજ્યપાલશ્રી

પશ્ચિમ અમદાવાદની મધ્યમાં આવેલા શિવાનંદ આશ્રમના અધ્યક્ષ શ્રી સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતીજી વર્ષ ૧૯૯૫ થી શિવાનંદ આશ્રમ સાથે સંકળાયેલા રહ્યા હતા, ૮ મે -૨૦૨૧ ના રોજ ૭૭ વર્ષની વયે તેમનો દેહવિલય થતાં તેમને સોડષી પૂજા દ્વારા શ્રધ્ધાંજલિ આપવાનો સમારોહ આજરોજ યોજાયો હતો.

જેમાં સમગ્ર દેશમાંથી તમામ અખાડાના મહામંડલેશ્વર અને મહંતો અને સાધુ-સંતગણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્શીવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે શિવાનંદ આશ્રમના અધ્યક્ષ તરીકે સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજને નિયુક્તિ કરવામાં આવી.

સોડષી ભંડારામા વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સમગ્ર જીવનકાળ દરમ્યાન યોગ અને અધ્યાત્મને સમર્પિત રહેલા સ્વામી શ્રી અધ્યાત્મનંદ સરસ્વતીજી વાસ્તવમાં સન્યાંસી જીવન જીવતા હતા અને તેઓ સમાજ સુધારક, માનવકલ્યાણ અને માનવતાની સેવા કરનાર સાચા અર્થમાં અહર્નિશ સાધુ હતા.

સદેહે તેઓ હાલ હયાત નથી પરંતુ શુભ કાર્યો દ્વારા તેઓ હંમેશા લોક હ્રદયમાં જીવંત રહેશે. આ સંસારમાં જે વસ્તુઓનું નામ છે તેનો નાશ-અંત નક્કી જ છે. એટલે જ કહેવાયું છે કે ‘’નૈનમ્ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ્ દહતિ પાવક:………..  મૃત્યુ શરીરનું થાય છે આત્માનું નહી. આપણને શરીર એક વસ્ત્ર રૂપે મળ્યું છે અને મૃત્યુ એ તો માત્ર વસ્ત્ર બદલે છે એટલે દેહ વિલય પર શોક કરવો  નહી.

જીવન કેવળ જીવવા માટે નથી પણ જીવનનો ઉદ્દેશ એ છે કે ધર્મ, અર્થ, કામ કરીને પછી મોક્ષની પ્રાપ્તિ કરવી.અને એ માટે ગુરૂ પાસે જ્ઞાનની ઉપલ્બ્ધિ મેળવવી.

એમ જણાવતા રાજ્યપાલશ્રી એ વધુમાં જણાવ્યું કે શ્રદ્ધેય સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ – પ્રાણાયામ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરીને ભારતના ધર્મ સંસ્કારને સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યા છે. તેમણે પરમાર્થ માટે નિરંતર સેવા પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કર્યું છે. તેમની આ વિચારધારા આગામી  સમયમાં પણ તેજ ગતિથી આગળ વધશે તેવો આશાવાદ રાજ્યપાલશ્રી એ વ્યકત કર્યો હતો.

રાજ્યપાલશ્રી એ વધુમાં જણાવ્યું કે જીવનકાળ દરમિયાન ખુબ લોકચાહના મેળવનાર સ્વામી અધ્યાત્મનંદ સરસ્વતીજી દેશ-વિદેશમા ખ્યાતિ પામ્યા હતા. તેમણે વિશ્વભરમાં અનેક શિબિર યોજીને યોગ, પ્રાણાયામ અને ભારતીય ચિંતનને પ્રોત્સાહન આપ્યું હતું અને અનેક દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓ સરળ શૈલીમાં સમજાવતા હતા.

રાજ્યપાલશ્રી એ સ્વામી શ્રી અધ્યાત્મનંદજી સાથે કરેલી મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા. અને નવા નીમાયેલા મહંત સ્વામી પરમાત્માનંદજી મહારાજને અધ્યક્ષ બનવા માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

આ સોડષી ભંડારામાં શિવાનંદ આશ્રમ ખાતે અનેક સાધુ સંતો, આશ્રમના વહિવટીગણ, અને ધર્મપ્રેમી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon