Western Times News

Gujarati News

દેશી ગાય આધારીત ખેતી માટે વાર્ષિક રૂ. 10,800ની સહાય

પ્રતિકાત્મક

અરજદાર 19-10-2021 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે -અરજદાર માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ અનિવાર્ય

સરકારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનો ઉદ્દેશ ખેતી ખર્ચમાં ઘટાડો કરવો અને ઉત્પાદન વધારવાનો છે. આ અંતર્ગત ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. 900 (રૂ. 10,800ની વાર્ષિક મર્યાદા)માં સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ આઈડેન્ટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતા તથા ખેડૂતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર( 40 ગુંઠા) જમીનમાં છાણ, ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મેળવી શકશે. આ યોજના હેઠળ એક ખાતા( નમૂના નં- 8 અ મુજબ) દીઠ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જોઈશે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂતે તા- 30-09-2021 થી 19-10-2021 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની પર સહી- અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે – 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક

અને બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક સામેલ કરી સાત(7) દિવસમાં ગ્રામસેવક/ બીટીએમ એટીએમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરી, વિસત પેટ્રોલ પંપ, સાબરમતી, અમદાવાદ ખાતે રજૂ કરવાની રહેશે. અગાઉના વર્ષમાં સદરહુ યોજનાનો લાભ લઈ ચૂકેલા લાભાર્થી ખેડૂતે અરજી કરવાની રહેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.