Western Times News

Gujarati News

સુરતની પેઢીનાં લાખો રૂપિયાના હિરા ચોરનાર શખ્શ નિકોલમાંથી પકડાયો

ધંધામાં દેવું થઈ જતાં નોકરીના સ્થળે જ ચોરી કરી હતી: ૩૦ લાખના હિરા રીકવર

(પ્રતિનિધિ) અમદાવાદ, ધંધામાં દેવું થઈ જતા સરભર કરવા માટે દિલ્હીમાં આવેલી પેઢીમાંથી હિરાની ઉઠાંતરી કર્યા બાદ નાસતો ફરતો આરોપી શહેરના નિકોલ વિસ્તારમાંથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમબ્રાંચે તેની પાસેથી હિરા તથા વીંટીઓ મળીને રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે પીઆઈ પી.બી. દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે એક શખ્શને નિકોલ ગંગોત્રી સર્કલ નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ૬ નંગ કિમતી હિરા તથા પ નંગ સોનાની વીંટીઓ મળી કુલ ૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે તેની પુછપરછ કરતા તેનું નામ ભરત ખોડાભાઈ રાજપુત (હાલ રહે. ન્યુ દિલ્હી તથા મૂળ વાવ, બનાસકાંઠા) હોવાનું કહયું હતું તે સુરત શહેરના મહીધરપુરામાં આવેલી સંસ્કાર ડાયમંડ પેઢીમાં નોકરી કરતો હતો જેનંુ સેફ વોલ્ટ દિલ્હીમાં આવેલું છે.

ભરતને દિલ્હીમાં રહીને ત્યાંના વેપારીઓને ડાયમંડ વેચવાનું કામ સોંપાયુ હતું એક વર્ષ અગાઉ પેઢીની જાણ બહાર તેણે સુરતમાં ડાયમંડનો વેપાર શરૂ કર્યો હતો જેમાં તેને નુકસાન થતાં લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું જેથી તેણે પેઢીના સેફવોલ્ટમાંથી હિરા ચોરીને બારોબાર વેચી દેવાનું નકકી કર્યુ હતું અને પાંચ મહીના અગાઉ આ ગુનાને અંજામ આપ્યો હતો.

ચોરીના માલમાંથી કેટલાક હિરા દિલ્હીના કરોલબાગના બજારમાં વેચ્યા હતા જયારે બીજા હિરા લઈ તે રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં ફર્યો હતો. બાદમાં ગાંધીનગરમાં ભાડેથી ઘર રાખી રોકાયો હતો.

આ દરમિયાન સુરત મહીધરપુરા ખાતે કંપનીએ તેની ઉપર પોલીસ કેસ કર્યો હોવાનું તેને જાણવા મળતાં આગોતરા જામીન મુકયા હતા પરંતુ તે જામીન નામંજુર થતા બે-ત્રણ દિવસથી ભરત નિકોલમાં ગંગોત્રી સર્કલ નજીક રહેતાં પોતાના સગાના ત્યાં આવી ગયો હતો. ક્રાઈમબ્રાંચે સુરત પોલીસનો સંપર્ક કરી તેને સોંપવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.