Western Times News

Gujarati News

નર્મદા નદીમાંથી બોટ મારફતે લવાતો દારૂ ભરૂચ LCBએ ઝડપી પાડ્યો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

પાંચ આરોપીઓ,બોટ,કાર અને દારૂનો જથ્થો મળી કુલ ૬.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત : દારૂ મોકલનાર કિમનો ઈસમ રાજુ અને જાગેશ્વરની મહિલા બુટલેગર મનુ પટેલ વોન્ટેડ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં છેલ્લાં ત્રણ દિવસ થી પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂના કેસો કરવામાં આવી રહ્યા છે.દારૂની હેરાફેરી અટકાવવા માટે શહેર અને જીલ્લાના મુખ્ય માર્ગો ઉપર પોલીસ ચેકિંગ તેમજ બંદોબસ્ત ખડકાયો છે.ત્યારે પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો કિમીયો અજમાવ્યો છે.

જેમાં ઝઘડિયાના પાંચ શખસો બોટમાં નર્મદા નદી માંથી દારૂની હેરાફેરી કરી ભાડભૂત ગામના ઓવારે પહોંચ્યાં હતા.જ્યાં વિદેશી દારૂ ઉતારી કારમાં જાગેશ્વર ગામની મહિલા બુટલેગરને દારૂનો જથ્થો પહોંચાડવાનો કારસો બુટલેગરોએ ઘડ્યો હતો.

ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતા પીઆઈ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ચૌહાણ તેમજ ટીમના માણસો ભાડભૂત ખાતે પહોંચી નર્મદા નદી માંથી બોટમાં દારૂ લાવનાર ઝઘડિયાના પાંચ શખ્સો (૧) નવિન રણછોડ પટેલ રહે.ઉચેડિયા (૨) હરેશ કાળીયા વસાવા રહે.રાણીપુરા (૩) નિલેશ મેલા વસાવા રહે.રાણીપુરા (૪) દશરથ સુરેશ વસાવા રહે.રાણીપુરા (૫) અજિત ધના વસાવા રહે.ગોવાલીની ધરપકડ કરી હતી.

તેઓ પાસે રહેલી બોટ માંથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ-૧૦૩૧ મળી આવતા કિંમત રૂપિયા ૧,૪૪,૫૦૦ નો જથ્થો કબ્જે કરવા સાથે એક વર્ના ગાડી નંબર જીજે ૦૬ એફ્કે ૭૫૬૫ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦,બોટ નંબર જીજે ૧૬ એમને ૩૧૨ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ અને અંગ ઝડતી કરતા બે  મોબાઈલ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ ૬,૫૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેઓની પ્રાથમિક પુછપરછમાં તેઓને સુરતના કિમ ખાતે રહેતા રાજૂ નામના શખ્સે માલ આપ્યો હોવાની તેને જાગેશ્વરની મનુ રાયજી પટેલ નામની મહિલા બુટલેગરને દારૂ પહોંચાડવાનો હોવાની કબુલાત કરતા પોલીસે ઝઘડિયા ના પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી અને સુરતના કીમ ખાતે રહેતો રાજુ નામનો શખ્સ અને જાગેશ્વરની મહિલા બુટલેગર મનુ રાયજી પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.