Western Times News

Gujarati News

આયુષ્યમાન ભારત યોજના હેઠળ બ્લેક ફંગસની સારવાર કરાવી શકાશે

નવી દિલ્હી,  કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિવિધ રોગોની સારવાર માટે નાણાંકીય મદદ તથા હોસ્પિટલ બીલ ચુકવવાની જોગવાઈ છે તેમાં વધુ રોગોને સમાવાયા છે તથા તેનું પેકેજ પણ વધારવામાં આવ્યું છે.જેના કારણે ખાનગી હોસ્પિટલોને આ પ્રકારની યોજના હેઠળ દર્દીની સારવાર કરવાનું વધુ સરળ બનશે.

ખાસ કરીને કોરોના કાળ પછી જે બ્લેક ફંગસનો રોગ જોવા મળ્યો છે હવે તેની સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ થઈ શકશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ માહીતી આપતા જણાવ્યું હતું કે મેડીકલ પ્રક્રિયામાં આઈસીયુમાં વેન્ટીલેટર સપોર્ટ માટેની પ્રક્રિયામાં 100 ટકા જેવો દર વધારો કરાયો છે.

જયારે વેન્ટીલેટર સપોટ વગરની એચડીયુ સારવારમાં 136 ટકાની રકમ વધારાઈ છે તથા રૂટીન વોર્ડમાં સારવાર માટે 17 થી 22 ટકા જેવી વધુ રકમ દર્દીને મળશે.સરકાર દ્વારા આ પ્રકારે હેલ્થ બેનીફીટ પેકેજ 2.2 જાહેર કરવામાં આવ્યુ છે અને તેઓએ જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોને આ વધારાના દરથી દર્દીને સારવાર કરવામાં વધુ સરળતા રહેશે.નેશનલ હેલ્થ ઓથોરીટી દ્વારા આ અંગેના નવા ભાવનુ લીસ્ટ મંજુર કરી દેવાયું છે.

જેમાં ડેંગ્યુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોઈપણ વ્યકિતના હૃદય ડાબી કે જમણી બાજુ અસમાન હોય તો તેની સારવાર પણ આ યોજના હેઠળ થઈ શકશે.હાલમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 1679 પ્રકારની સારવારને આવરી લેવાય છે જેમાં 1080 સર્જરીનો સમાવેશ થયો છે અને 586 મેડીકલ સારવારનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.