Western Times News

Gujarati News

ગરબાના સ્થળોએ મેલેરિયા જનજાગૃતિ માટે બેનર્સ લગાવવામાં આવ્યા

અમદાવાદ જીલ્લા તંત્રની અનોખી પહેલ -અમદાવાદ જીલ્લાના ૨૫૩ ગામોમાં વાહકજન્ય રોગના નિયંત્રણ માટે જનજાગૃતિ ઝુંબેશ : 

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમાં સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત  મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિ માટે અનોખી રીતે અભિયાન હાથ ધરાયુ  છે.

જે અંતર્ગત નવરાત્રીમાં અમદાવાદ જીલ્લાના ૨૫૩ ગામોમાં  શેરી –ગરબાના સ્થળે  જઇને  વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જનજાગૃતિ  ઉભી કરવા માટે બેનર્સ લગાવવામાં આવ્યા છે.   આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.

જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી  નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારનો તાવ આવે તો ગભરાયા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ  કરાવવી જોઈએ અને આરોગ્ય કાર્યકર્તાનો સંપર્ક કરવો જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ.આપના ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો જોઇએ જેથી મચ્છરજન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, અને તાલુકા હેલ્થ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ ઝુંબેશના ભાગરૂપે વાહકજન્ય રોગ પર નિયંત્રણની  કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.