Western Times News

Gujarati News

નશામાં ચકચૂર યુવકના પગ ઉપર ટ્રેનના પૈડા ફરી વળ્યાં

સુરત, સુરતમાં અરેરાટી થઈ જાય તેવી ઘટના બની છે. નશામાં ચકચૂર થયેલા એક યુવક સાથે એવુ થયુ કે તેની આખી દુનિયા લૂંટાઈ ગઈ. નશો દૂર થયો ત્યારે ખબર પડી કે તેના પગ જમીન પર ન હતા. હોંશમાં આવ્યા બાદ ખબર પડી કે તેણે પોતાના બંને પગ ગુમાવી દીધા છે.

આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી. મૂળ કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. કપાયેલા પગથી જીવ બચાવવા તે ૯ કલાક સુધી ખાડામાં મોત સામે ઝઝૂમ્યો હતો. આખરે તેને સારવાર મળી હતી. મૂળ કાનપુરનો ગોલુ નામનો યુવક સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરે છે. તેને દારૂ પીવાની આદત હતી.

શુક્રવારની રાત્રે પણ તે દારૂ પીવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવારે તે પરત ફર્યો ન હતો. જેથી તેની સાથે રહેતા યુવકે તેની શોધખોળ હાથ ધરી હતી. સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતા મિત્રોને ગોલું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આખરે ગોલુને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ ઘટના વિશે મળેલી માહિતી મુજબ, ગોલુ દારૂના નશામાં અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. દારૂના નશામાં તે રેલવે ટ્રેક પર જ સૂઈ ગયો હતો. જ્યાં ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેનથી તેના બંને પગ કપાઈ ગયા હતા. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા ગોલું બે ટ્રેક વચ્ચેના ખાડામાં ૯ કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યો હતો.

રઝળતી હાલતમાં તે ખાડામાં રહેવા મજબુર બન્યો હતો. આખરે ૯ કલાક બાદ લોકોની નજર પડતા તેને સારવાર માટે ખસેડાયો હતો. ૧૦૮ ની મદદથી ગોલુને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેના બંને પગ ગંભીર રીતે કચડાઈ ગયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.