Western Times News

Gujarati News

શહેરમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો: વટવામાં સાળાએ બનેવીને રહેંસી નાખ્યા જયારે ચાંદખેડામાં ધંધાની અદાવતમાં હત્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક દિવસમાં બે હત્યાની ઘટનાઓ નોંધાઈ છે જેમાં વટવામાં દંપતીના સામાન્ય ઝઘડાની વાત જાણ્યા બાદ સાળાએ બનેવીને ઉપરાછાપરી ચાકુના ઘા માર્યા બાદ રીક્ષામાં તેમના ઘરે ઉતારી આવ્યો હતો. બાદમાં હોસ્પીટલમાં બનેવીનું મૃત્યુ નીપજયું હતું જયારે ચાંદખેડામાં શાકભાજીની લારી ઉભી રાખવા માટે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ એકની જાહેરમાં હત્યા કરી છે.

વટવાના ઈન્સાનીયત નગરમાં રંજનબેન ચૌહાણ ચાર સંતાન તથા પતિ સાથે રહે છે તેમના પતિ સુરેશભાઈ સીલાઈ કામ કરી ગુજરાન ચલાવે છે રંજનેબન તથા સુરેશભાઈ આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાથી પૈસાની બાબતમાં તેમને અવારનવાર બોલાચાલી થતી હતી આ બાબતે રંજનબેને તેમના ભાઈ મુકેશભાઈ નાનજીભાઈ ડાભી (હરીઓમ પાર્ક, વટવા)ને વાત કરી હતી.

દરમિયાન શુક્રવારે સાંજે મુકેશ પોતાની રીક્ષામાંથી સુરેશભાઈને લોહીલુહાણ હાલતમાં તેમના ઘર આગળ ઉતારી ભાગી ગયો હતો. રંજનબેને પુછતાં સુરેશભાઈએ પોતે મુકેશના ઘરે જતાં તેણે મારી બહેન સાથે ઝઘડા કેમ કરો છો કહીને ઝઘડો કર્યો હતો.

ત્યાંથી સુરેશભાઈ પરત ફરતા હરીઓમપાર્કના નાકા આગળ મુકેશે પાછળ આવી પકડીને તેમના પેટમાં છરીના ઘા માર્યા હતા. બાદમાં સુરેશભાઈને એલ.જી.હોસ્પીટલમાં લઈ જવાતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વટવા પોલીસે બાદમાં મુકેશને ઝડપી લીધો હતો.

જયારે સાબરમતી રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતા ભરતભાઈ પટણી મોટેરા લોટસ હોસ્પીટલની આગળ શાકની લારી ઉભી રાખતા હતા તેમની બાજુમાં જ વિઠ્ઠલભાઈ મોહનભાઈ પટણી પણ તેની લારી ઉભી રાખી વેપાર કરતો હતો જેથી શુક્રવારે બપોરે તેમની વચ્ચે ધંધા બાબતે બબાલ થતા વિઠ્ઠલભાઈ તેમનો પુત્ર બલ્લુ તથા તેમના ભાઈઓ સુરેશભાઈ તથા લાલભાઈએ લારી ઉભી રાખવા બાબતે ભરતભાઈ સાથે ઝઘડો કરી લારી ઉંધી કરી નાખી હતી.

જાેકે રોજનો ધંધો હોવાથી ભરતભાઈએ પોલીસ ફરીયાદ કરી હતી અને નવું શાકભાજી લાવી ફરીથી ધંધો શરૂ કરતાં રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ચારેય જણાં ફરી આવ્યા હતા અને ભરતભાઈનો પરીવાર કઈ સમજે એ પહેલાં તેમને પકડીને છરીના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને બાદમાં ભાગી છુટયા હતા જેથી ઘાયલ ભરતભાઈને હોસ્પીટલ લઈ જવાતાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.