Western Times News

Gujarati News

લોડિંગ ટ્રકે અચાનક જ બ્રેક મારતા કારને અકસ્માત નડ્યો

Files Photo

ફાઈટર પ્લેન મિરાજનો પાયલોટ મૃત્યુ પામ્યો-અચાનક ટ્રક ઉભી રહી જતાં અનુજ યાદવ કારને કાબૂમાં કરી શક્યા નહીં અને કાર લોડીંગ ટ્રકમાં ઘુસી ગઈ હતી

ગ્વાલિયર,  શહેરના ગોલા કા મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીંડ રોડ પર મધ્યરાત્રિએ એક માર્ગ અકસ્માતમાં મિરાજના પાયલોટનું કરૂણ મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં રહેતા ૨૭ વર્ષીય અનુજ યાદવ હાલમાં ગ્વાલિયરના મહારાજપુરા એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટિંગ પર હતા. ઓળખ થયા પછી અકસ્માત અંગે વાયુસેના કેન્દ્રના અધિકારીઓ અને અનુજ યાદવના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને બુલંદ શહેરમાં મોકલવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક વિજય ભદૌરિયાના જણાવ્યા મુજબ અનુજ મોડી રાત્રે કેટલાક કામના સંદર્ભમાં શહેર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન આયશર લોડિંગ-ટ્રક ડ્રાઈવરે તેમની કારની સામે અચાનક બ્રેક લગાવી હતી. અચાનક ટ્રક ઉભી રહી જતાં અનુજ યાદવ કારને કાબૂમાં કરી શક્યા નહીં અને કાર લોડીંગ ટ્રકમાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માત સમયે રસ્તા પર ટ્રાફિક હળવો હતો. અકસ્માત બાદ પાયલટ અનુજ લાંબા સમય સુધી પોતાની કારમાં અટવાયા હતા. જ્યારે પોલીસને અકસ્માતની માહિતી મળી ત્યારે પાયલોટ કારમાંથી બહાર કાઢીને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અનુજના મૃત્યુની માહિતી એરફોર્સ સેન્ટર મહારાજપુરા સુધી પહોંચી ત્યારે ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

શનિવારે પાયલોટનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો અને પરિવાર અંતિમ સંસ્કાર માટે બુલંદશહેર જવા રવાના થયો છે, અનુજના અંતિમ સંસ્કાર તેમના પૂર્વજાેના ઘરે કરવામાં આવશે. ગોલા કા મંદિર પોલીસ સ્ટેશનએ આઈશર લોડીંગ ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો અને ટ્રક જપ્ત કરી હતી પરંતુ તેનો ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.