Western Times News

Gujarati News

સરખેજમાં સોપારી લઈ યુવાનની હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, એક વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણમાં સોપારી લઈને હત્યા કરનાર બે શખ્સોને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે નરોડામાંથી ઝડપી લીધા છે. આ બંનેએ સાથે કામ કરતાં શખ્સ પાસેથી હત્યા કરવા માટે રૂપિયા ૨૩ હજારની રકમ લીધી હતી અને હત્યા ક્યા બાદ બંને હત્યારા તથા સોપારી આપનાર અમદાવાદની બહાર ભાગી ગયા હતા.

આ ઘટના અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૪-૦૯-૨૦૨૦નાં રોજ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાની ફરીયાદ નોંધાઈ હતી. જે અનુસાર સરખેજમાં આવેલાં ફોર્સ મોટર્સ સર્વીસની નજીક ઝાડીઓ આવેલી છે. જ્યાંથી પ્રમોદભાઈ દેવજીભાઈ પટેલ (૪૩) રહે.પ્રણવ એપાર્ટમેન્ટ. માણેકબાગની તિક્ષ્ણ ઘાનાં હથિયાર ઝીંકેલી લાશ મળી આવી હતી. આ ગુનાની તપાસમાં લગ્નેત્તર સંબંધમાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.

આરોપીઓ ફરાર થયા બાદ એક વર્ષે ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ એસપી ગોહીલને બંને હત્યારાની બાતમી મળતાં તેમને નરોડા નાના ચિલોડા રોડ, કારટક હોન્ડા આગળથી ઝડપી લેવાયા હતા. આ બંનેના નામ સુરેશ ઊર્ફે સુર્યાે ચેનારામ મેઘવાલ (જાેગસન) (બાડમેર) તથા કમલેશ ઉર્ફે કમો મોહનલાલ ડામોર (પ્રતાપગઢ) હોવાનું બહાર આવ્યું છે. બંને હાલ હિંમતનગર મહેતાપુરામાં એક મકાન ભાડે રાખી રહેતાં હતા.

સુરેશ અને કમલેશ બંને અમરત રબારી સાથે ફર્નિચરનું કામ કરતા હતા તથા અમરતને મરનાર પ્રમોદભાઈની પત્ની કિંજલ સાથે પ્રેમસંબંધ હતો. પ્રમોદભાઈ વચ્ચે આવતાં હોવાથી અમરતે તેમનો કાઢવા બંનેને સોપારી આપી પ્લાન બનાવ્યો હતો. જે અનુસાર બનાવની સાંજે સુરેશ અને કમલેશ ઘટના સ્થળ નજીક પ્રમોદભાઈની રાહ જાેતાં હતા. અને સાડા નવ વાગ્યે રાત્રે પ્રમોદભાઈ ત્યાંથી સ્કુટર લઈ નીકળતાં તેમને રોકીને છરી અને સળીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

દરમિયાન અમરત પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેય જણ પ્રમોદભાઈને ઘસડીને બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા. જ્યાં ફરી વખત તેમની ઉપર છરી અને સળીયાનાં જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા. બાદમાં લાશ ત્યાં જ છોડી દઈ. અમરત, સુરેશ અને કમલેશ ગાડીમાં બેસી હિંમતનગર ભાગી ગયા હતા. અમરતે બાદમાં હત્યા માટે તેમને ૨૩ હજાર રૂપિયા આપ્યા હતા. તેવી હકીકત બંનેની સઘન પૂછપરછમાં સામે આવી છે.

ક્રાઈમ બ્રાંચે સરખેજ પોલીસને જાણ કરી બંનેને સોંપવા તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોપારી આપનાર અમરત અગાઉ જ પકડાઈ ગયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.