Western Times News

Gujarati News

AMC પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે લીકવીડેટર સાથે સંકલન કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મનપાની આવકનો સૌથી મોટો આધાર મિલ્કત અને પ્રોફેશનલ ટેક્ષ પર રહયો છે. મ્યુનિ. શાસકો પણ આ બાબત ભલી-ભ્રાતિ સમજી રહયા છે જેના કારણે પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્ષની આવકમાં વધારો કરવા માટે સતત પ્રયાસ કરી રહયા છે.

જેના ભાગરૂપે રેવન્યુ કમીટી બેઠકમાં મ્યુનિ. કોન્ટ્રાકટરો અને કન્સલટન્ટ અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી જ રીતે ફડચામાં ગયેલી મિલ્કતોના ટેક્ષની વસુલાત માટે લીકવીડેટર સાથે સીધા સંપર્કમાં રહેવા માટે અધિકારીઓને સુચના આપી છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપભાઈ દવેના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનની સંલગ્ન સંસ્થાઓ એએમટીએસ, જનમાર્ગ, સ્કુલ બોર્ડ, એસ.વી.પી હોસ્પિટલ, એમ.જે. લાયબ્રેરી ઉપરાંત મનપાના એસ્ટેટ, એન્જીનીયરીંગ સહીતના વિભાગોમાં જે કોન્ટ્રાકટરો કે કન્સલટન્ટને કામ સોંપવામાં આવે છે

તેમના પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્ષની “શૂન્ય” બાકી રહેવી ફરજીયાત રહેશે. જે કોન્ટ્રાકટરો કે કન્સલટન્ટના ટેક્ષ બાકી હશે તેમણે વર્ક-ઓર્ડર ઈસ્યુ કરતા પહેલા બાકી દેવા ભરપાઈ કરવાના રહેશે. મ્યુનિ. ટેક્ષ અધિકારીઓ આ મુદ્દે અન્ય ખાતાઓ સાથે સંકલનમાં રહીને કામ કરશે.

જયારે કોઈ મીલ અથવા મોટી ફેકટરી ફડચામાં જાય ત્યારે ઓફીસીયલ લીકવીડેટરની નિમણુંક થાય છે આવી મિલ્કતોના બાકી ટેક્ષ અંગે લીકવીડીટરની કચેરીમાં કલેમ નોંધવામાં આવે છે સદર મિલ્કતની જમીન તથા બાંધકામનું વેચાણ થાય ત્યારે ઓફીશીયલ લીકવીડેટર દવારા મનપાના બાકી કલેમ અંગે ધ્યાન આપવામાં આવે તે માટે અધિકારીઓને સંકલન કરવાની સુચના આપવામાં આવી છે

તેમજ લીકવીડેટરોને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવશે. નવી મિલ્કતોને બીયુ પરમીશન આપવામાં આવે ત્યારે તેની નકલ એસ્ટેટ ખાતામાંથી તાત્કાલિક ધોરણે મેળવી પ્રોપર્ટી ટેક્ષની આકારણી ઝડપી કરવામાં આવે તે અંગેની સુચના દરેક ઝોનના ટેક્ષ ખાતાને આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.