Western Times News

Latest News from Gujarat

ગોતા, થલતેજ અને બોડકદેવ ચિકનગુનિયાના ‘હોટસ્પોટ’

સરખેજ, જાેધપુર, રાણીપ અને નવરંગપુરામાં ચિકનગુનિયાનો કહેરઃ ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામઃ અઠવાડિયામાં એક વાર રોગચાળા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કેમ કરાતી નથી તેવો શાસક પક્ષમાં ચર્ચાતો પ્રશ્ન

અમદાવાદ, દર ચોમાસામાં અમદાવાદીઓને રોડ પરના ખાડા અને ભૂવા ભયભીત કરે છે. હવે વરસાદ બંધ થયો હોઇ મ્યુનિ. તંત્ર દ્વારા યુદ્ધ સ્તરે હજારો ખાડા પુરવાનું કામ હાથ ધરાયુ છે તેમ છતાં વરસાદની ઋતુમાં સ્માર્ટ સિટી અમદાવાદ ખાડા સિટી-ભુવા સિટીમાં ફેરવાઇ જાય છે તે કડવા સત્યનો લોકોએ સ્વીકાર કરી લીધો છે.

વરસાદી પાણીથી કલાકો સુધી જળબંબાકાર જેવી ઠેર ઠેર સર્જાતિી સ્થિતિથી પ્રિ-મોન્સુન એક્શન પ્લાનનો અસરકારકતા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની વાસ્તવિક ક્ષમતા સામે પણ અણિયાળા પ્રશ્નો ઊઠે છે. વરસાદથી ફક્ત આ સમસ્યાઓ નથી સર્જાતી, પરંતુ કાદવ-કીચડ, ગંદકી વગેરેી મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાય છે.

તંત્ર છેલ્લા કેટલાક વર્ષથી મચ્છરજન્ય રોગચાળા પર સમયસર કાબૂ લાવવામાં સફળ નીડ્યું નથી, જેના કારણે હજારો લોકો આ રોગચાળાનો ભોગ બને છે. હવે જાે ચિકનગુનિયાની વાત કરીએ તો ડેન્ગ્યુ બાદ ચિકનગુનિયાએ જે રીતે આતંક મચાવ્યો છે તેનાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે.

ચિકનગુનિયાનો સવિશેષ પ્રકોપ શહેરના ગોતા, સરખેજ અને બોડકદેવ વોર્ડમાં જાેવા મળી રહ્યો છે. પશ્ચિમ અમદાવાદના આ ત્રણ વોર્ડ જાણે કે ચિકનગુનિયાગ્રસ્ત બન્યા છે તેવું ભયાવહ ચિત્ર ઉપસ્યુ છે.

અમદાવાદ ભલે સ્માર્ટ સિટીને લગતા ઢગલાબંધ એવોર્ડ લઇ આવ્યું છે કે પછી આગામી દિવસોમાં લઇને આવશે, પણ ચોમાસાના દિવસોમાં હજારો અમદાવાદીઓને વિવિધ સમસ્યાઓથી ધોળે દિવસે તારા દેખાઇ જાય છે તેમાં કોઇ વાદવિવાદને અવકાશ રહેતો નથી. કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી છે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે.

શહેરનો પૂર્વ વિસ્તાર ડેન્ગ્યુથી ત્રાસી ઊઠ્યો છે. લાંભા, વટવા, ઇસનપુ, રામોલ, હાથીજણ, ગોમતીપુર, અમરાઇવાડી, ભાઇપુરા, વસ્ત્રાલ, ઓઢવ જેવા વોર્ડમાં ડેન્ગ્યુના દર્દીઓ રાડ પાડી ઊઠ્યા છે તો ચિકનગુનિયાએ પશ્ચિમ અમદાવાદને તેની લપેટમાં લીધું છે. બીજા અર્થમાં સમગ્ર અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ પકડ જમાવતા મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલ, ખાનગી દવાખાના મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ઉભરાઇ રહ્યા છે.

પશ્ચિમ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયા અજગરી ભરડામાં ગોતા, થલતેજ અને બોડકદેવ વોર્ડ આવી ચૂક્યા છે. આ ત્રણે વોર્ડમાં છેલ્લા દોઢ મહિનામાં ચિકનગુનિયાના ૧૦૦થી વધુ સત્તાવાર કેસ નોંધાઇ ચૂક્યા છે. અન્ય બે વોર્ડ ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં ૩૦થી વધુ સત્તાવાર કેસ થયા છે. આમ આખા ઉત્તર-પશ્ચિમ ઝોન પર ચિકનગુનિયાનો કાલો પડછાયો પ્રસર્યો છે.

જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જાેધપુર અને વેજલપુરમાં પણ ચિકનગુનિયાના દર્દી વધતા જાય છે. બોડકદેવ, થલતેજ અને જાેધપુર વોર્ડમાં વહેંચાયેલા બોપલ-ઘુમાવાસીઓ પણ ચિકનગુનિયાના ઉપદ્રવથી પરેશાન છે.

શહેરના સમુદ્ર ગણાતા પશ્ચિમ ઝોનના રાણીપ, નવરંગપુરા અને નવા વાડજમાં ચિકનગુનિયા ગંભીર બનતો જાય છે. અન્ય વોર્ડમાં પણ ચિકનગુનિયાની સ્થિતિ હાશકારો અપાવે તેવી નથી. ફક્ત સ્ટેડિયમ અને વાસણામાં કંઇક અંશે ઓછા કેસ છે.
ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન એમ પશ્ચિમ અમદાવાદના ત્રણ ઝોનમાં ચિકનગુનિયાના ૬૦ ટકા સત્તાવાર કેસ નોધાયા છે. મધ્ય ઝોનના શાહીબાગ, દરિયાપુર, અસારવા અને શાહપુર વોર્ડમાં પણ ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે.

ચોમાસાના છેલ્લા બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શહેરમાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના ૫૦૦થી વધુ સત્તાવાર કેસ ભલે નોંધાયા હોય, પરંતુ બિનસત્તાવાર રીતે ત્રણથી પાંચ હજાર કેસ થઇ ચૂક્યા છે. બીજા તરફ મ્યુનિ. હેલ્થ વિભાગ મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ અમદાવાદમાં સતત વધી રહ્યો હોઇ અઠવાડિયામાં એકવાર મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે તેમ શાસક ભાજપ પણ ઇચ્છે છે.

મળનારી હેલ્થ કમિટીમાં ચેરમેન ભરત પટેલ આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અઠવાડિક અખબારી યાદી પણ બંધ કરાઇ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers