Western Times News

Gujarati News

વાસુ હેલ્થકેરે ‘ઈતની શક્તિ’ પ્રાર્થનાગીતના ગાયિકા પુષ્પા પગધારેને સન્માનિત કર્યા

અમદાવાદ, કલાકારોના પ્રદાનની કદર કરવા અને જરૂરિયાતના સમયમાં તેમને મદદ કરવાના આશયથી વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે ‘ઈતની શક્તિ’ પ્રાર્થનાગીતના ગાયિકા શ્રીમતી પુષ્પા પગધારેને સન્માનિત કર્યા હતા. તેમના પ્રદાનની સરાહના કરતા વાસુ હેલ્થકેરે રૂ. એક લાખના ચેક સાથે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.

પુષ્પા પગધરેએ 8 ભારતીય ભાષામાં 500થી વધુ ગીતોને સ્વર આપ્યો છે. ‘ઈતની શક્તિ હમેં દે ના દાતા’ એ 1986માં રજૂ થયેલી ફિલ્મ ‘અંકુશ’નું લોકપ્રિય ગીત છે. આ ગીત કુલદીપસિંહે કમ્પોઝ કર્યું હતું  તેના ગીતો અભિલાષે લખ્યા હતા.

વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સાગર પટેલે જણાવ્યું હતું કે ‘ઈતની શક્તિ’ પ્રાર્થનાગીત દરેક વાસુધર (વાસુ હેલ્થકેરના કર્મચારીઓ)ના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અમારી કંપની 11 કરતાં પણ વધુ વર્ષોથી આ પ્રાર્થનાગીત સાથે લાગણીથી જોડાયેલી છે અને વાસુ હેલ્થકેરના બધા જ એકમો એટલે કે પ્લાન્ટ, કોર્પોરેટ ઓફિસ અને આરએન્ડડી વિભાગમાં નિયમિત પ્રાર્થનારૂપે આ ગીત ગવાય છે. શ્રીમતી પુષ્પા પગધરેની ખરાબ આર્થિક સ્થિતિ અંગે અમે મીડિયા રિપોર્ટ્સમાં જાણ્યું અને મદદ માટે તેમના સુધી પહોંચવાનો નિર્ણય લીધો.

જરૂરિયાતમંદને મદદ કરવી એ ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં ઊંડે સુધી વ્યાપેલો ખ્યાલ છે. એક જવાબદાર નાગરિક તરીકે તે આપણી ફરજ પણ છે. અન્ય કલાકારો, સામાજિક કાર્યકરો તથા જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરી તેમને મદદ પૂરી પાડવા વાસુ હેલ્થકેર કોર્પોરેટ કંપનીઓ, વ્યક્તિઓ તથા સંસ્થાઓને અપીલ કરે છે.

1980માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર, ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ સાથે સંકળાયેલી ભારતની અગ્રણી કંપની છે અને આયુર્વેદ પ્રિસ્ક્રીપ્શન માર્કેટમાં ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપનીએ આયુર્વેદના સમૃદ્ધ વારસા તથા મજબૂત સંશોધન-વિકાસ ક્ષમતાઓના આધાર પર યુરોલોજી, ઓર્થોપેડિક્સ, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, રેસ્પિરેટરી સહિતના સેગમેન્ટ્સમાં 200થી વધુ પ્રોડક્ટ્સ વિકસાવી છે.

કંપનીની ફ્લેગશિપ બ્રાન્ડ ત્રિચપ વિશ્વભરના બજારોમાં ઉપલબ્ધ છે અને ઓઈલ, શેમ્પૂ, સિરમ, હેર કન્ડિશનર, ક્રીમ વગેરે સહિતના હેર કેર સોલ્યુશન્સની શ્રેણી પૂરી પાડે છે. કંપની 50થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે. કંપની 50,000 ફાર્મસી, રિટેલ કેમિસ્ટ, મોર્ડન ટ્રેડ અને 1,000 સ્ટોકિસ્ટ્સ સહિત ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સનું દેશવ્યાપી નેટવર્ક ધરાવે છે. કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઈકા, વનએમજી અને તેના પોતાના ઓનલાઈન સ્ટોર (https://www.vasustore.com/) સહિતની અગ્રણી ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા પણ વેચાણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.